જામનગર મોર્નિંગ - જામનગર

પ્રવાસ એ શિક્ષણનું અવિભાજય અંગ છે. બાળક માટે નવું નવું શીખવા, જાણવા, જોવા અને માણવાની એક સુંદર તક એટલે પ્રવાસ. મોટાભાગનાં પ્રવાસમાં શાળા બાળકોને જ પ્રવાસમાં લઈ જતી હોય છે. પણ બાળકો સાથે તેઓની માતાને પણ પ્રવાસની અદ્દભૂત અનુભૂતિ કરાવતી ઐતિહાસિક ક્ષણો શ્રી એલ. જી. હરિઆ સ્કૂલે અંક્તિ કરી હતી. જે કદાચ નગરનાં ઈતિહાસમાં પ્રથમ ઘટના હશે. તા. ૨૮.૧.૨૩નાં રોજ શ્રી એલ. જી, હરિઆ સ્કૂલનાં કે. જી. વિભાગનાં નાના બાળકોને માતા સાથે પ્રવાસમાં લઈ જવાનું વિચારબીજ શાળાનાં આચાર્ય ધવલ પટ્ટનાં મનમાં સ્ફૂર્યું મનોવૈજ્ઞાનિક રીતે નાના બાળકોને પ્રવાસમાં ગયેલા પોતાનાં બાળકે માટે સૌથી વધુ ચિંતા માને થતી હોય છે. મારું બાળક નાનું છે, પ્રવાસમાં શું કરતું હશે? એને નાસ્તો કર્યો હશે કે કેમ? એને કોઈ મુશ્કેલી તો નહીં પડતી હોય ને? આવા કેટલાય પ્રશ્નો માનાં મનને જયાં સુધી બાળક પ્રવાસમાંથી હેમખેમ પરત ન આવી જાય ત્યાં સુધી મુંઝવતા હોય છે. મા અને એના સંતાન વચ્ચેના આ અદશ્ય તાણાવાણાને પોતાની પારખું નજરથી ઓળખી જનાર શાળાનાં આચાર્ય ધવલ પટ્ટે શાળાનાં સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરીને એક અનોખા પ્રવાસનો વિચાર સ્ટાફ સમક્ષ મૂકયો કે આપણે એક એવા પ્રવાસનું આયોજન કરવું છે કે જેમાં બાળક સાથે તેની માતા પણ પ્રવાસમાં આવે અને એના સંતાનની પ્રવાસ દરમિયાનની તમામ ગતિવિધિને જુએ, જાણે અને માણે. આચાર્યશ્રીનાં આ વિચારબીજને વટવૃક્ષ બનાવવાનું ભગીરથ કાર્ય કે. જી. વિભાગનાં એચડીઓ રીટા ગોરીએ કર્યું હતું. માતાઓ અને બાળકો તથા સ્ટાફ વચ્ચે સુંદર સાયુજય સાધી શકાય એટલે એચડીઓ રીટા ગૌરીએ પણ સતત સૌની સાથે રહીને બધાનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાની બસ દ્વારા બાળકો અને તેની માતાઓએ નગરથી નજીક નિસર્ગનાં સાનિધ્યમાં લાખાબાવળ ખાતે લીલાવતી નેચર કોર એન્ડ યોગ રીસર્ચ સેન્ટરમાં આ પ્રવાસ દરમિયાન ખૂબ ધમાલ મસ્તી કરી હતી. સવારથી સાંજ સુધી યોજાયેલા આ પ્રવાસમાં બાળકને સામુહિક જીવનનાં પાઠ ભણતું પોતાનું બાળક દેશનાં વિકાસમાં પણ સમૂહ ભાવના અને 'સૌનો સાથ, સૌનો વિકાસ' એ સૂત્રને સાર્થક કરવા સક્ષમ છે એ વાતનો રાજીપો અનુભવ્યો હતો. બાળકો અને માતાઓએ શાળાએ નક્કી કરેલી વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા ભરપૂર મનોરંજન માણ્યું હતું.

ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટનાં ટ્રસ્ટી રમણીકભાઈ કે. શાહ પણ પ્રવાસનાં સ્થળ પર હાજર હોય તેઓએ પણ બાળક સાથે બાળક બનીને આ પ્રવાસને માણ્યો હતો અને માતાઓને હાકલ કરી હતી કે એક માતા સો શિક્ષકની ગરજ સારે. એક મા તરીકે તમે જો જીજાબાઈ જેવા વિચારોથી બાળકમાં સંસ્કારનું સિંચન કરશો તો દેશને ફરીથી શિવાજીનો સાક્ષાત્કાર ચોક્કસ જોવા મળશે. ગુરુની ભૂમિકામાં જો તમે રામકૃષ્ણ પરમહંસ જેવી ઉદારતા રાખશો તો દેશને ફરીથી વિવેકાનંદ જેવી ચેતનાથી તમારું બાળક ઝળાહળા કરી દેશે.

બાળકો સાથે શિક્ષકો અને માતાઓએ પણ ફરીથી પોતાનાં બાળપણનાં સંસ્મરણોને તાજા કર્યા હતા અને બપોરનું ભોજન પણ સાથે લીધું હતું. આખો દિવસ ખૂબ મોજ મસ્તી કરીને સાંજે સૌ પરત ફર્યા ત્યારે બાળકો તો ઠીક પણ તેમની માતાઓનાં મનનો આત્મસંતોષ ઊડીને આંખે વળગે એવો હતો. પોતાનાં બાળકને સામુહિક જીવનનો પ્રથમ પાઠ સફળ રીતે ભળતો જોયા પછી તેમનો સૌનો શાળા અને સ્ટાફ તરફનો સકારાત્મક અભિગમ વધુ મજબુત થયો હતો. આમ, શાળા દ્વારા આ એક નવતર અને અનોખી પહેલમાં શાળાને અભૂતપુર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી એનો સૌને આત્મસંતોષ હતો.