તીરછી નજર - ભરત હુણ
જામનગર શહેર અને જીલ્લામાં નિયમિત મોટી સંખ્યામાં દૂધ,માવાની મીઠાઈઓ અને ફરસાણનું ઉત્પાદન અલગ – અલગ ડેરીઓ અને નમકીનની દુકાનો કે કારખાના,ફેક્ટરી દ્વારા કરવામાં આવે છે આમાં થી મોટા ભાગની બ્રાંડની બનાવટની મીઠાઈ કે ફરસાણ ખાવામાં આવે ત્યારે સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે આમાં ભેળસેળ છે. આવા ભેળસેળ યુક્ત ફરસાણ કે મીઠાઈઓનું વેચાણ કરીને નાગરિકો સાથે છેતરપીંડીની સાથે આરોગ્ય સાથે પણ છેડા થઇ રહ્યા છે.
દિવાળી, નવા વર્ષ, જન્માષ્ટમી, હોળી, સંક્રાત જેવા તહેવારો અને રોજીંદા દિવસોમાં પણ મીઠાઈ અને ફરસાણ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવતું હોય છે . મીઠાઈ અને ફરસાણની બનાવટમાં ઉત્પાદકો અથવા તો વેચાણકર્તાઓ દ્વારા ભેળસેળ કરવામાં આવે છે જે નગરજનો પણ જાણે છે પણ તે શું કરે ? કેમકે તે જ્યાં ખરીદવા જાય લગભગ મોટા ભાગની દુકાનો પર આ જ સ્થિતિ છે ! એટલે ના છૂટકે ભેળસેળ યુક્ત મીઠાઈ અને ફરસાણ ખરીદવું પડી રહ્યું છે.
જામનગરમાં ભેળસેળ યુક્ત મીઠાઈ અને ફરસાણના કારણે અનેક લોકો માંદગીમાં કે ગંભીર બીમારીમાં ધકેલાઈ જાય છે ત્યાં સુધી પણ જામનગર મહાનગર પાલિકાના ફૂડ ઇન્સ્પેકટરો કે ફૂડ વિભાગ દ્વારા આવા ભેળસેળ યુક્ત મીઠાઈ કે ફરસાણ બનાવનાર કે વેચનાર વ્યક્તિઓ કે પેઢીઓ વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી જયારે અવાજ ઉઠે ત્યારે ફોર્માલીટી પૂરતા આટા મારી સેમ્પલો લઈને બધું સમુસુતરું છે તેવું દર્શાવી દેવામાં આવે છે. જામનગરનો સામાન્ય નાગરિક સ્વાદ ચાખીને જાણી શકે છે કે આમાં ભેળસેળ છે ત્યારે ભણેલ ગણેલ અને ખાસ ફૂડ વિભાગની ડીગ્રી ધરાવતા અધિકારીઓ આ ભેળસેળ કેમ સાબિત કરી શકતા નથી બંધ કરાવી શકતા નથી તે પ્રશ્ન સતાવી રહ્યો છે !
0 Comments
Post a Comment