જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

કૃમિના ચેપથી બચવા માટે 1 વર્ષથી 19 વર્ષ સુધીના તમામ બાળકોના સ્વાસ્થ્ય ઉપર અનેક ગંભીર અસરો જેવી કે લોહીની ઉણપ, પાંડુ રોગ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુખાવો, ઝાડા—ઉલટી, વજનમાં સતત ઘટાડો, વિગેરે જેવા અનેક ચિન્હો બાળકોમાં મુખ્યત્વે જોવા મળે છે.

બાળકોની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર રાજય અને જિલ્લામાં તા. 10 થી તા. 17 ફેબ્રુઆરી સુધી “રાષ્ટ્રીય કૃમિ મૂકિત અઠવાડીયા' અન્વયે શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિઃશુલ્ક આપવાની કામગીરી શુક્રવારથી શરૂ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) બાળકોને ખવડાવવામાં આવશે. જેમાં 1 થી 5 વર્ષના બાળકોને આ દવાનો એક ડોઝ આંગણવાડી કેન્દ્ર ઉપર ખવડાવવામાં આવશે. 6 થી 19 વર્ષના બાળકોને આ દવા શાળા મારફતે કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ખવડાવવામાં આવશે.

આ રાઉન્ડના પ્રથમ દિવસે આજરોજ શુક્રવારે ખંભાળિયા તાલુકાના 69695, દ્વારકા તાલુકાના 45016, કલ્યાણપુર તાલુકાના 53835 અને ભાણવડ તાલુકાના 30120 મળી, જિલ્લાના કુલ 1,98,666 બાળકોને આલ્બેન્ડાઝોલ દવા ખવડાવવામાં આવી હતી. જે જિલ્લાના કુલ લક્ષ્યાંક મુજબ પ્રથમ દિવસે 72 ટકાની સિદ્ધિ પ્રાપ્ત થવા પામી છે.

કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલ નામની આ ગોળી બાળકો માટે સુરક્ષિત દવા છે. આ દવા તમામ સ્તરે નિરીક્ષણ હેઠળ આપવામાં આવશે. તારીખ 17 ફેબ્રુઆરી સુધીમાં 1 થી 19 વર્ષ સુધીના તમામ બાળકોને આ દવા ખવડાવવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.