તૂટેલા રોડના ખાડામાં અવારનવાર અકસ્માતો બાદ પણ મહાનગર પાલિકાના પેટનું પાણી હલતું નથી ! 

જામનગર મોર્નિંગ - જામનગર 

શહેર વોર્ડ નંબર 14 ના દિગ્વિજય પ્લોટ શેરી નંબર - 58ના મુખ્ય માર્ગ પાણી વહેતા ખાડામાં ભરાયા હતા અને પાણી ભરાયેલ ખાડામાં ફરી એક કાર ફસાઈ અને અકસ્માત થયો હતો હમણાં થોડા દિવસો પહેલા પણ આવા ખાડા માં એક ટ્રેક્ટર ફસાયું હતું. અને આ વોર્ડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો જ વિસ્તાર છે. જામનગર શહેરમાં ગેસની પાઇપ લાઈન નાખતી વેળાએ અને ભૂગર્ભ ગટર બનાવતી વેળાએ રોડમાં નહેર અને ખાડા કરવામાં આવ્યા હતા એ કામ પૂર્ણ થયા બાદ તે નહેર અને ખાડાઓમાં પૂરતા પ્રમાણમાં બુરાણ અને પેચવર્કના થવાના અભાવે આવા અકસ્માતો સર્જાઈ છે.

જામનગર શહેરના આ રસ્તાઓમાં જયારે પાઇપ લાઈન નાખવા અથવા ભૂગર્ભ ગટર માટેની મંજૂરી લેવામાં આવી હશે ત્યારે તે મંજૂરીમાં સ્પષ્ટ લખ્યું હશે કે કામ પૂર્ણ થયા બાદ તૂટેલા રોડ રીપેરીંગ જે તે એજન્સીએ કરવા અને તે રીપેરીંગ થયા કે કેમ તે મહાનગરપાલિકા ના ઈજનેર એ ચકાસણી કરવી. પણ અહીં ના તો રીપેરીંગ કરવા વાળી એજન્સીએ પૂરતી કાળજી રાખી કે ના પાલિકાના ઈજનેર એ પરિણામે આજે શહેરીજનોએ હેરાન અને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે.