કાલાવડમાં અઢાર મહિનાની તરુણીનું પાણીમાં ડુબી જવાથી મૃત્યુ: શહેરમાં પરિણતાનું તબિયત લથડતા મોત 

જામનગર મોર્નિંગ - જામનગર    


જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રીનગરમાં રહેતી યુવતીને જમવાનું બનાવવા બાબતે માતાએ ઠપકો આપ્યા બાદ એસીડ પી જિંદગી ટૂંકાવી લીધી હતી, જયારે કાલાવડમાં વાડીમાં કામ કરતા પિતાની અઢાર મહિનાની પુત્રી પાણીની કુંડીમાં રમતા રમતા પડી જવાથી ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું ઉપરાંત જામનગરમાં મજૂરી કામ કરતી પરણીતાનું બીમારી સબબ મૃત્યુ નિપજતા ત્રણેય બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલમાં ગાયત્રીનગર રામાપીરના મંદિર પાછળ રહેતી અંજુ ઉર્ફે અંજલીબેન ભરતભાઈ મકવાણા (ઉ.વ.21)ને તેમની માતા ભાનુબેનની તબીયત ખરાબ હોવાથી અંજુને રાત્રીનું જમવાનું બનાવવાનું કહ્યું હતું બાદમાં અંજુએ જમવાનું બનાવવાની ના કહેતા માતા ભાનુબેન અને દીકરી વચ્ચે જમવાનું બનાવવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું અંજુને મનમાં લાગી આવતા ગત ગુરુવાર સવારથી શુક્રવાર સવારના સાત વાગ્યા દરમ્યાન ઘરમાં બાથરૂમમાં પડેલ એસીડ પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પિતા ભરતભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે જામનગર જિલ્લાના કાલાવડમાં અનીલભાઈ ઠુંમરની વાડીએ કામ કરતા મુળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના ભારા તાલુકામાં આંબાગામના મુકેશભાઈ કલસીંગ ભાભોરની અઢાર મહિનાની દીકરી કામ્યા વાડીમાં રમતી હોય ત્યારે રમતા રમતા અકસ્માતે કુવા પાસે આવેલ કુંડીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, તેમજ આ બનાવની જાણ પિતા મુકેશભાઈએ કાલાવડ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઉપરાંત જામનગર શહેરમાં આવેલ ધરારનગરમાં ઉધોગ અરુણમાં મજુરી કામ કરતા શકીલાબેન સેજાદભાઈ જોખીયા નામની 30 વર્ષની પરણિતાની કામ કરતી વેળાએ શનિવારે બપોરે ચાર વાગ્યે અચાનક તબીયત લથડતા ચક્કર આવી જતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પતિ સેજાદે સીટી બી ડીવીઝન પોલીસમાં જાણ કરતા કાર્યવાહી હાથ ધરી હતી.