હ્ર્દય યોજના અંતર્ગત રિનોવેશન અને રીટ્રોફીક પાછળ રૂ. 97.58 લાખ ખર્ચ કરાયા પણ સ્થાનિક તંત્ર સંભાળ રાખવામાં નિષ્ફ્ળ 

જામનગર મોર્નિંગ - દ્વારકા (બુધાભા ભાટી)

ભારતના ચાર ધામ પૈકી એક ધામ એટલે પવિત્ર યાત્રાધામ દ્વારકાપુરી. અહીં દર વર્ષે ભારતના લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત અનેક જોવા લાયક અને ધાર્મિક સ્થળો આવેલા છે. દ્વારકાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે ત્યારે સ્થાનિક તંત્રની આળશ અને બેદરકારીને લીધે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની હાલત ખુબ ખરાબ થતી જાય છે. દ્વારકામાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતો બ્રહ્મકુંડ આનો જીવતો દાખલો છે. 

આ બ્રહ્મકુંડનું ધાર્મિક મહ્ત્વ વિષે પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે, તેવા મહત્વના સ્થળને લાખો રૂપિયા ખર્ચીને સરકારે રિનોવેશન કરાવ્યું. તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરી પરંતુ ખાટલે મોટી ખોટ કે સ્થાનિક જવાબદાર તંત્ર કે પ્રજાના પ્રતિનિધિને આવા કોઈ સ્થળની સાર સંભાળ રાખવામાં કોઈ રસ નથી. બ્રહ્મકુંડની અંદર ભગવાન બ્રહ્માજીની મૂર્તિ પથ્થરોના ગાજીયાની વચમાં બિરાજમાન છે અને ધાર્મિક રીતે આનું ખુબ મહત્વ હોવાથી સેંકડો શ્રધ્ધાળુઓ અહીં દ્રશ્ય કરવા આવે છે, બ્રહ્માજીના મંદિરો ભારતભરમાં ખુબ જ ઓછા છે અને બ્રહ્માજીના નામથી આ પૌરાણિક કુંડ સનાતન ધર્મની પરંપરા અને સાંસ્કૃતિક વારસાનાં પ્રતીક સમાન કુંડની અવદશાથી સનાતની હિન્દુઓ ઉપરાંત બહારથી આવતા લાખો યાત્રિકોની આસ્થાને ઠેસ પહોંચે છે. 

ઉપરાંત બ્રહ્મકુંડમાં આવેલ લિફ્ટ ભંગાર જેવી થઇ ગઈ છે, અને આરો પ્લાન્ટ બંધ હાલતમાં તેમજ ઇલેક્ટ્રિક બોર્ડ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ બ્રહ્મકુંડનું જળ પવિત્ર માનવામાં આવતું હોવાથી શ્રધ્ધાળુઓ આ જળનું આચમન કરે છે. પરંતુ આ કુંડના જળમાં અતિ ગંદકી, કાદવ અને કચરો હોવાથી દુર્ગંધ આવે છે જેનાથી ભાવિકોની લાગણી દુભાઈ રહી છે.