જામનગર મોર્નિંગ - દ્વારકા 


રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ રેલવે મંત્રીને સૌરાષ્ટ્રને વંદે ભારત એક્સપ્રેસ મળે તે અંગે રેલવે મંત્રીને રજુઆત કરશે. તેમણે જણવ્યું કે અગાઉ પણ તેમણે આ અંગે રજુઆત કરી હતી, પરંતુ હવે તેઓ તેમની સાથે મુલાકત કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ટ્રેન મળે કે જેથી રોડ માર્ગે જવાનું ભારણ ઘટે તે અંગે રજુઆત કરશે. આ સાથે તેમણે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોને પણ રેલવે માર્ગથી જોડવામાં આવે તે અંગે રજુઆત કરવાના છે. 

મહત્વનું છે રાજ્યમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી કરવામાં આવી છે તે રીતે સૌરાષ્ટ્રવાસીઓને પણ લાભ મળે તેવી ઈચ્છા સાંસદ રામભાઈ મોકરિયા કરી રહ્યા છે. દેશમાં ઠેર-ઠેર વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે કે જેથી મુસાફરો એક સ્થળથી બીજા સ્થળની ઝડપી મુસાફરી કરી શકે છે. 

સાંસદ રામભાઈએ કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકોએ અમદાવાદ સુધી લાંબા ના થવું પડે અને પ્લેનની જે સુવિધા છે તે પૂરતી નથી તો, ટ્રેનનો રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને લાભ મળવો જોઈએ. સૌરાષ્ટ્રમાં દ્વારકા, સોમનાથ અને પોરબંદરને વંદે ભારત એક્સપ્રેસ સાથે જોડવામાં આવે તેવી રજુઆત સાંસદ કરવાના છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે વધુમાં વધુ લોકોને વંદે ભારત એક્સપ્રેસનો લાભ મળે તો તેને અનુલક્ષીને સૌરાષ્ટ્ર સુધી વંદે ભારત દોડતી કરવા અંગે રજુઆત કરીશ.