રિવાઇઝ્ડ બજેટ શેનુ? સ્વીકારો કે અમે મોટા ઉપાડે એક મહિનાની કવાયતના ખેલ કર્યા બાદ પણ અમે અંદાજપત્રથી નેવુ ટકા પણ સિદ્ધ નથી કરી શક્યા: ૪૦ ટકા બજેટ ગટરને પાણીનુ અને ફરિયાદ પણ લોકોની તે બે મા વધુ...!!!

જામનગર મોર્નિંગ - જામનગર (ભરત ભોગાયતા)

૧૦૦૦ કરોડથી વધુના બજેટમાં અડધાથી વધુ સરકારની ગ્રાન્ટની આશા તો કમિશનર કહે કોર્પોરેશનને આત્મનિર્ભર બનાવવા તરફનુ બજેટ છે: તો ૫૫૦ કરોડની વસુલાત કરો ભાઈ: દર વર્ષે ગ્રાન્ટના આકડા વધારો છો ને સરકાર પાસે શકોરૂ ધરો છો, તો સરકાર કહી દે છે આટલામાં ચલાવો ને આગળ જાવ માટે ગ્રાંટ ન આવે તો મોં વકાસી પ્રોજેક્ટ સુવિધા અધુરા મુકો છો કાં તો નવા વર્ષની રાહ જુઓ છો: ગત વર્ષમાં ૧૦૦૦ કરોડના બજેટમાંથી આવક ગ્રાંટ વગેરે મળી વાસ્તવિક આંક ૬૫૦ કરોડ ઉપર અટક્યો ને પુરાંતલક્ષી શેનુ? ગત માર્ચમા એક તબક્કે તિજોરી ખાલી હતી સાહેબો રૂપીયો ક્યાંથી આવશે ને ક્યા જશે? શુ ક્યાથી આવશે, વસુલાતની દાનત નથી. અને શુ ક્યા જશે? કોઈ અગ્રતાક્રમ તો છે નહી સગવડીયા ધરમ કેમ?: માથાદીઠ દેવુ ૧૧૦૦૦ એટલે કુલ૭૦૦૦ કરોડને માથાદીઠ આવક ૫૦૦૦ માટે ૩૫૦૦ કરોડ આમાં ક્યાંથી ભેગુ થશે?

કમીશનર સાહેબ અને નિપુણ ચીફ એકાઉન્ટન્ટને સવાલ

આત્મનિર્ભર થવાનુ કીધુ સીએમએ એ હજુ ગુંજે છે તમારી સ્પીચમાં લખ્યુ છે તો પછી કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી વધુ એટલી ૬૫૦ કરોડની કેપીટલ ગ્રાંટ આવક શા માટે અંદાજીત કરાઇ? ગયા વર્ષે પણ પોણાપાંચસો કરોડના અંદાજ સામે ૩૧ માર્ચ સુધી ૩૦૦ કરોડ જ આવક થશે ને?: અને હા સ્મશાન, સાયન્સ સીટી કે નોલેજ સેન્ટર, સ્પોર્ટસ સંકુલ, નવા તળાવ કા જળસંચય પ્રોજેક્ટ વગેરે કેમ ગાયબ થઇ ગયા?? દબાણ હટાવવા-વેરા વસુલાત અસરકારક કરવા બાકી રોડ પાણી સુવિધા ઝડપી પુર્ણ કરવાના કોઇ સંકલ્પના બદલે વર્ષ ૨૨-૨૩ ના ચાલુ કામો ના દળદાર વર્ણન બજેટ સ્પીચમાં કરી નાખ્યા: નવી બનતી સોસાયટીઓમાંથી અમુક મીઠી નજરના  ડેવલપર્સ પાણીનીલાઇન, રોડ સ્ટ્રીટ લાઇટ, ભુગર્ભ ગટર સહિત ડ્રેનેજ સીસ્ટમ્સ વૃક્ષારોપણ વગેરે કરતા નથી અમુકમાં લેવલ નથી. આ બધુ ફરજીયાત કરવાનુ જ છે તેમ સ્ટેન્ડીંગ કમીટી અને જનરલ બોર્ડના ઠરાવ છે તેના પાલન વગર એનઓસી અપાય છે (કેવી રીતે અપાયા? તપાસ કરો) બાદમાં પ્રજાના નાણાથી તે અમુક માનીતાઓની અનેક સોસાયટીઓમાં કોર્પોરેશન જવાબદારી ન હોવા છતા માળખાકીય સુવિધા કરે છે- ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯ સુધી ૧૬૦ સોસાયટીઓમાં આવા રૂપીયા ૩૭૫ કરોડથી વધુ નાણાં વપરાયા ને હજુ આવા અમુક ખર્ચા ચાલતા હોવાની ચબરાકોમા જોરશોરથી ચર્ચા અને છેક સીએમ ડેસ્ક સુધી મામલો પહોંચ્યો તો નથી ને? આ તો એક વાત છે.

મનપા શાસન જામનગરની સીધી વાત કરીએ તો (જો કે તેનાથી વહીવટી કે સતાધારી પાંખને કઇ ફરક નહી પડે પણ દોડી દોડી ને ટેક્સ ભરતા નગરજનો વિવિધ મુદાઓ જાણે તે અને વાસ્તવિકતા જાણે તે જરૂરી છે કેમકે કેટલા કરોડનું બજેટ છે તે નહી પણ પાણી નિયમિત ને ફોર્સથી આવ્યુ કે નહી રોડ બન્યા ગટર સાફ થઇ? સ્ટ્રીટ લાઇટ ચાલુ છે કે નહી પાર્કીંગ છે કે નહી વગેરે મહત્વના છે) ગયા વર્ષે એટલે ૨૨-૨૩માં પણ ૧૦૦૦ કરોડના બજેટમાં આવક ૭૬૦ કરોડ અંદાજીત હતી પરંતુ માર્ચ આવતા ૬૦૦ કરોડ પણ નહી થાય અને કેપીટલ ગ્રાંટ ખર્ચ ૪૮૯ કરોડ અંદાજેલો પરંતુ વારંવાર શકોરૂ ફેલાવ્યુ છતા આ વર્ષની ગ્રાંટ પહોંચશે ૩૦૦ કરોડ આજુબાજુ તેમજ ચાલુ વર્ષ પહેલા ૨૧-૨૨ મા મહેસુલી આવકનો ૩૩૦ કરોડનો અંદાજ હતો થઇ હતી ૨૨૦ કરોડ ગ્રાંટના શકોરામા ૪૫૦ કરોડ આવશે તેમ આશા હતી પણ આવી ૩૦૦ કરોડ જ. 

હવે આ વખતે ૨૩-૨૪ માટે ૬૦૦ કરોડ જેટલી આવક વેરા વગેરેનીને ગ્રાંટની પણ ૬૦૦ કરોડ જેટલી આવકનો અંદાજ મુક્યો છે તો લોકો જ કહે કે અગાવ ની વાસ્તવિકતાના આંકડા જોઇ ને લાગે છે કે આ અંદાજ બરાબર છે? નથી જ છતાય પછી રીવાઇઝડ બજેટ પણ રજુ કરે ને લખે કે મુકાયેલ અંદાજ અને ખરેખર આવક વગેરે વળી ખર્ચમા કોઇ કરકસર કરવી નથી ને આવક નિયમીત થાય તે પગલા લેવાતા નથી માટે નિયમિત વેરા ભરનાર ઉપર બોજ વધે છે માટે તો વેરાના દર અને ચાર્જ વધારવા પડે છે નહીતો આત્મનિર્ભર ન થય શકાય? ના એ લખવામાં જ સારૂ લાગે તેમ આ બાબતો જણાવતા અભ્યાસુઓએ જણાવ્યુ છે તેમજ ચાલીસ ટકા ખર્ચ પાણી ગટર ભુગર્ભમાં વપરાય છે ને લોકોની ફરિયાદો પણ તેમા જ વધુ હોય છે તો ખર્ચ થાય છે તે ક્યા જાય છે? તેમ કોર્પોરેશનમાં જાણકારો ચર્ચા કરતા હતા.

ફ્લેશબેક

કોર્પો બજેટના ૨૧ -૨૨ના  મુદા ૨૨ -૨૩માં નીકળી ગયા હતા જામનગર મનપા દર વર્ષે વિકાસના નામે વચનોની લ્હાણી અને વિકાસકામોની ભરમાર સાથેના અંદાજપત્ર બહાર પાડવામાં આવ્યા હતાં. આ અંદાજપત્રનો અમલ સત્તા સ્થાને આવ્યા પછી કરવામાં શાસકો મહદ્અંશે નિષ્ફળ અથવા નિષ્ક્રિય રહ્યા છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે એનિમલ હોસ્ટેલનું નિર્માણ, રમત-ગમત અંગેનું ઓપન મેદાન, પે પાર્ક અને ગાર્ડન, સાધના કોલોની વિસ્તારમાં ત્રીજા સ્મશાનનું નિર્માણ સાથે ઘણા કાર્યો કરવામાં છેલ્લા ત્રણ ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી કોઈ કરતાં કોઈ જાતની પ્રગતિ દેખાતી નથી.

સ્મશાન બનાવવા જગ્યાની પસંદગી થઈ ગઈ હતી પણ કોઈના હિતોને ધ્યાનમાં રાખીને આ જમીન વચ્ચેથી નીકળતા ગાડા માર્ગનો ટેકનિકલ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો તો સ્થળ પસંદગી કેવી રીતે થઈ? જો કે જાણકારોના જણાવ્યા પ્રમાણે ગાડા માર્ગ માટે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પ્રમાણે જો જગ્યાની બન્ને તરફથી રસ્તાની વ્યવસ્થા હોય તો જગ્યાની વચ્ચેના ગાડામાર્ગને મીટાવી વિકાસ કામ કરી શકાય છે અને જામનગરમાં જે સ્થળની પસંદગી થઈ છે ત્યાં એક તરફ રાજ્યનો માર્ગ (બાયપાસ માર્ગ) અને બીજી તરફ જિ.પં.નો માર્ગ છે જ. આ બાબતની વિગતો સાથેની દરખાસ્ત મનપાએ રાજ્ય સરકારમાં મોકલી આપીને ઘણો સમય વીતી ગયો છે, પણ ગુજરાતમાં સત્તાસ્થાને રહેલ ભાજપના શાસકો પણ જામનગરની જનતાને આ મહત્ત્વપૂર્ણ સુવિધા મળે તે દિશામાં વિચારવાને બદલે કેટલીક ભલામણો/દબાણોને વશ થઈને નિયમ પ્રમાણે ગાડા માર્ગ મીટાવીને પસંદ કરેલા સ્થળે સ્મશાનનું નિર્માણ કરવા માટે મંજુરી આપતા નથી! હાલ સતાધારીઓ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે જામનગર માં સ્મશાન માટે કોર્ટ મેટર ચાલી રહી છે આગામી સમયમાં તેનો સુખદ નિરાકરણ આવી જશે. મનપામાં ભાજપના શાસનના અઢી દાયકા દરમ્યાન દરેક સંકલ્પપત્રમાં અને અંદાજપત્રમાં જામનગરની જનતાને દૈનિક પાણી વિતરણના બણગાં ફૂકનારાઓ હજી સુધી દૈનિક પાણી વિતરણ બાબતે ફીફા ખાંડી રહ્યા છે અને નગરજનો માટે આ સુવિધા માત્ર દીવાસ્વપ્ન સમાન બની રહી છે. કેમકે હાલના સમયે પણ કોર્પોરેશન દ્વારા જામનગરવાસીઓને એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે અને 365 દિવસનો પાણી ચાર્જ પણ વસુલ કરવામાં આવે છે. 

ચૂંટાયેલા અને ચૂંટાઈને પદાધિકારી બનેલા અમુક શાસકો (જે વારંવાર કા.ઇ. કે એજન્સીઓ સાથે કે મોજ શોખમાં જ વ્યસ્ત રહે છે)તેવા અમુકમાં આવા મહત્ત્વના પ્રશ્નો અંગેની ઉદાસીનતા કે જાણકારીનો અભાવ કારણભૂત છે. ખરેખર શાસકોએ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પાસેથી વહીવટી બારીકાઇ અને ધગશ તેમજ અભ્યાસની જીજ્ઞાસા શીખવાની  જરૂર છે બાકી અમુક ને તો માત્રને માત્ર ડામર રોડ, સીસી રોડ, સ્ટ્રેન્ધનિંગ/અપગ્રેડેશનના કામો પાછળ કરોડો રૃપિયા ખર્ચાઈ તેમા જ રસ હોય ને વારંવાર કમીટીનુ લોહી પીતા હોય તેમ ચર્ચાય છે.

જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ચૂંટણી પહેલા તમામ વોર્ડમાં ચિત્તાની જેમ છલાંગ લગાવી એક પછી એક ઉદ્ઘાટનનો કરવામાં આવેલ હતા ચૂંટણી પછી આપ પછી આ કામો કીડીની ચાલે ચાલી રહ્યા છે તો હજુ ઘણા કામ ચાલુ પણ થયા નથી કોન્ટ્રાક્ટરોના મરજી મુજબના કામો કરે છે કે ઠીક લાગે તે પ્રકારનું કામ કરે છે તેઓ આક્ષેપ પણ પત્રમાં કરાયો છે વધુમાં જણાવ્યું છે કે જુનિયર એન્જિનિયરો ની કોઈ જાતની સલાહ કે સૂચનો પણ લેતા ધ્યાને લેતા નથી અને એન્જિનિયરોને બદલે પોતાના વિચાર મુજબ કામ કરી રહ્યા છે જેના લીધે ઘણા કામો હલકી ગુણવત્તાના ચાલી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આવા વિકાસ કાર્યો કેમ કરતા નથી તેવા પ્રશ્નોને લઈ જનરલ બોર્ડમાં અને અનેક વખત સતાધારી પક્ષ સામે આવેદનપત્ર પણ પાઠવવામાં આવે છે પરંતુ માત્ર આવેદન અને વિરોધ પ્રદર્શન કરી તેઓ છૂટી જાય છે ત્યારે હવે  આવા વિકાસ કાર્યો જામનગર શહેરમાં કયારે થશે તે એક સવાલ લોકોના મનમાં છે. હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને અહીં પ્રસ્તુત કરેલા મુદ્દાઓ ઉપરાંત પરિણામલક્ષી કામો માંગે છે. જોઈએ આગામી સમયમાં શાસકો કેટલા જાગૃત થાય છે!