રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીને કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રીનો પ્રત્યુત્તર
જામનગર મોર્નિંગ - જામનગર
કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ ગુજરાતમાં 2018-19થી ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 58,430 વ્યક્તિઓને રોજગારી આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં PMKVY હેઠળ પ્રશિક્ષિત વ્યક્તિઓને સૌથી વધુ રોજગાર આપવાના મામલે ટોચના પાંચ ક્ષેત્રોમાં એપેરલ, લોજિસ્ટિક્સ, ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, આઇટી-આઇટીઇએસ તથા રિટેલ ક્ષેત્રનો સમાવેશ થાય છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે 8 ફેબ્રુઆરી 2023ના રોજ રાજ્યસભામાં સંસદ સભ્ય શ્રી પરિમલ નથવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ માહિતી આપી હતી.
મંત્રીશ્રીના નિવેદન અનુસાર દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2018-19થી ડિસેમ્બર 2022 સુધી કુલ 17,29,389 લોકોને PMKVY હેઠળ રોજગારી આપવામાં આવી છે. ગુજરાતમાં PMKVY હેઠળ પ્રશિક્ષિત 16,348 લોકોને રોજગારી આપવા સાથે એપેરલ સેક્ટર ટોચનો ઉદ્યોગ રહ્યો છે, ત્યારબાદ લોજિસ્ટિક્સ (7,214), ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર (6,814), આઇટી-આઇટીઇએસ (5,785) અને રિટેલ ક્ષેત્ર (4,222) આવે છે.
શ્રી નથવાણી કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ સંબંધિત વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ તથા કૌશલ્ય વિકાસ માટેની પહેલના તાલીમાર્થીઓ માટે રોજગારનું સર્જન કરતા ટોચના પાંચ ક્ષેત્રો સાથે આ કાર્યક્રમો દ્વારા આપવામાં આવતી રોજગારીની સંખ્યા વિશે જાણવા માગતા હતા.
સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) વિવિધ યોજનાઓ હેઠળ દેશભરમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રો/સંસ્થાઓના વ્યાપક નેટવર્ક દ્વારા કૌશલ્ય તાલીમ આપે છે, જેમકે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY), જન શિક્ષણ સંસ્થાન (JSS), નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ (NAPS) અને ક્રાફ્ટ્સમેન ટ્રેનિંગ સ્કીમ (CTS) જેવા કાર્યક્રમોનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs) દ્વારા સંચાલન કરવામાં આવે છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે MSDEની યોજનાઓમાં PMKVY હેઠળ થનારા પ્લેસમેન્ટ પર ખાસ નજર રાખવામાં આવે છે.
0 Comments
Post a Comment