જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજથી બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. ખંભાળિયામાં ધોરણ 10 તથા 12 માં બોર્ડની પરીક્ષાઓ માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ તૈયારીઓ વચ્ચે આજે સવારથી વિદ્યાર્થીઓ નિયત પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓને પ્રોત્સાહિત કરી, શૈક્ષણિક તંત્ર સાથે આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આજથી શરૂ થતી ધોરણ 10 ની પરીક્ષામાં જુદા જુદા આઠ કેન્દ્રોમાં 37 બિલ્ડીંગના 315 બ્લોકમાં 9611 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ જ રીતે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ માટે જિલ્લાના પાંચ પરીક્ષા કેન્દ્રોમાં નિયત કરેલા 21 બિલ્ડિંગમાં 165 બ્લોકમાં 4893 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાના બે કેન્દ્રોમાં કુલ 473 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
અહીં ચાર કાઉન્સિલિંગ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. ધોરણ 10 તથા 12 મા બોર્ડની પરીક્ષાઓના તમામ બિલ્ડીંગોના દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા મારફતે અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવશે. જે માટે જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયા તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
ખંભાળિયામાં આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષાઓમાં ખંભાળિયાની જાણીતી એસ.એન.ડી.ટી. શૈક્ષણિક સંસ્થા તેમજ ગોકાણી ગર્લ્સ સ્કૂલમાં જિલ્લા કલેકટર એમ.એ. પંડ્યાએ ખાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવીને તથા બોલપેન આપી, શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પરાગભાઈ બરછા તથા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર પણ જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણણાધિકારી એસ.જે. ડુમરાણીયાએ અહીંની સરકારી જી.વી.જે. હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના મોં મીઠા કરાવી, શુભકામનાઓ પાઠવી હતી. જે પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ નકુમ તથા ઝોનલ અધિકારી કમલેશભાઈ પાથર પણ જોડાયા હતા.
0 Comments
Post a Comment