દ્વારકામાં સૌરાષ્ટ્ર - ગુજરાતના આઠ જિલ્લામાંથી પદયાત્રીકોનું આગમન: કાળીયા ઠાકોરની કર્મભૂમિ ઉપર ગુંજી ઉઠયો જ્ય દ્વારકાધીશનો ઉદ્ઘોષ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
ભારતના પશ્ચિમ છેવાડે આવેલા ગુજરાતની મુખ્ય તીર્થધામ ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં આગામી તારીખ 8 ના રોજ કુલડોલ ઉત્સવની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશના 8 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, બરોડા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાંથી લાખો પદયાત્રીકો પગપાળા ચાલીને ફાગણ માસની સુદ પૂનમના દિન સુધી દ્વારકા પહોંચ્યા છે.
ત્યારે અમદાવાદથી દ્વારકા સુધીનો હાઈ-વે માર્ગ પદયાત્રીકોથી ઉભરાઈ રહ્યો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના પદયાત્રીકો માટે ધર્મગ્ય સંસ્થાઓ દ્વારા હાઈવે માર્ગ ઉપર લગાતાર ખાણી-પીણી અને વિશ્રામના સેવા કેમ્પોનો ધમધમાટ જોવા મળ્યો છે. જામનગરથી દ્વારકા સુધી મુખ્યત્વે રિલાયન્સ કંપની જેવી માતબર કંપનીઓએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાના આ યજ્ઞમાં જોડાઈ ગઈ હતી.
દ્વારકાધીશના દર્શન માટે આવતા પદયાત્રીઓ ઉત્સાહમાં છે અને ખાસ કરીને રાત્રિના ઠેર-ઠેર હાઈવે માર્ગ પર ઊભા કરવામાં આવેલા ટેન્ટમાં પદયાત્રિઓ લોકડાયરો, રાસગરબા, ઢાઢીલીલા અને સૌરાષ્ટ્ર ગુજરાતનું ભવ્ય ભાતીગળ લોક સંસ્કૃતિના કાર્યક્રમો યોજી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ 1500 પોલીસ કર્મીઓ કુલડોલ ઉત્સવના કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા બહારથી પણ જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. બંદોબસ્તમાં 5 ડીવાયએસપી, 15 પીઆઈ, 50 પીએસઆઈ અને પોલીસકર્મી, એસઆરડી, એસઆરપી, જીઆરડી, સહિતનો પોલિસ સ્ટાફ દ્વારકા અને આસપાસના વિસ્તારમાં મજબૂત વ્યવસ્થા માટે ગોઠવામાં આવનાર છે. દ્વારકા મંદિરના ઈન્ચાર્જ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ મંદિર પરીસરમાં દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીંગ અને યાત્રીકોના અવર જવરની રસ્તાની અલગથી વ્યવસ્થા કરાઈ છે. આ સમગ્ર આયોજન ખાસ કરીને કૃષ્ણ ભક્તોમાં ભારે આવકારદાયક બની રહ્યું છે.
દ્વારકામાં પ્રવેશતા યાત્રિકોને દ્વારકાધીશજીના દર્શન કરાવા માટે ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપર આવેલા કીર્તીસ્તંભના પટાંગણથી પ્રવેશ અપાશે અને યાત્રિકો સુદામા સેતુ થઈને છપ્પન સીડીના પ્રવેશ દ્વાર ઉપરથી મંદિરમાં પ્રવેશ કરશે અને દર્શન કર્યા બાદ મુખ્ય પ્રવેશ દ્વાર (સ્વર્ગ દ્વાર) ઉપરથી યાત્રિકોએ મંદિરની બહાર નીકળવાનું રહેશે.
દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપન સાથે જ છેલ્લા સપ્તાહથી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શૃંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતી તથા બપોરના રાજભોગ આરતી સહિતની મહા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને (કાળીયા ઠાકોરને) અબીલ ગુલાલની છોળો સાથે કુલડોલ ઉત્સવને વધાવામાં આવી રહયો છે. ખાસ કરીને દ્વારકાધીશજીને કુલડોલ ઉત્સવ સુધી સફેદ કલરના જ વસ્ત્ર ધરાવવામાં આવી રહયા છે. પૂજારી પરિવાર દ્વારા કુલડોલ ઉત્સવમાં વિશેષ પ્રકારના મનોરથો પણ ઠાકોરજીની સન્મુખ ધરાવવામાં આવે છે.
0 Comments
Post a Comment