બેંકમાં લોન કરાવી ગાડી આપવાનું કહી રૂ. 2 લાખ પડાવી લેતા અંજારના શખ્સ સામે રાવ
જામનગરના વેપારીને સ્ક્રેપનો માલ આપવાનું નક્કી કરી મુંબઈના વેપારીએ રૂ. 20 લાખ પડાવી લઈ માલ નહીં આપતા વેપારી યુવાને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે જયારે શહેરના યુવાનને વિશ્વાસમાં લઇ ક્રેટા કાર આપવાનું કહી અંજારના શખ્સે એડવાન્સ રૂ. 2 લાખ લઇ કારની ડીલેવરી નહીં આપી અને બેંકમાં હપ્તા પણ નહીં ભરતા શહેરના યુવાને સીટી સી ડિવિઝનમાં છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ગુનાઓના આરોપીઓની તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર કે.ડી. ટાવરમાં રહેતા હર્ષભાઈ મનસુખલાલ ચંદરીયા નામના વેપારી યુવાનને મુંબઈના રાજેશ જૈન અને રાહુલ રચાએ કોપર સ્ક્રેપ મટીરીયલ બતાવી સ્ક્રેપનો માલ આપવાનો વિશ્વાસ આપાવ્યા બાદ રાજેશ જૈને પોતાની પેઢી વી.કે. એન્ટરપ્રાઈઝના એકાઉન્ટમાં આરટીજીએસ દ્વારા રૂ. 14,00,000 ટ્રાન્સફર કરાવ્યા બાદમાં રાજેશના કહેવા મુજબ રાહુલે રૂ. 6,00,000 રોકડા લઇ કુલ રૂ. 20,00,000 પડાવી લઈ નક્કી કરાયા મુજબ ત્રણ ટન સ્ક્રેપનો નહીં આપતા બંને શખ્સોએ કાવતરું રચી હર્ષભાઈ સાથે છેતરપીંડી આચરતા ગત તા. 9ના હર્ષભાઈએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ અને રાહુલ સામે આઇપીસી કલમ 406, 420, 120(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પીએસઆઈ એસ.એમ. સીસોદીયા કરી રહ્યા છે.
જયારે જામનગરમાં પટેલકોલોની શેરી નં. 11માં રહેતા મુળ જામકંડોરણા તાલુકાના પીપરડી ગામના રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાને ગત તા. 24 ફેબ્રુઆરીના અંજારના આફતાબ પાસેથી રવિરાજસિંહની ઓફીસે સમર્પણ સર્કલ પાસે ક્રેટા ગાડી લીધી હતી. જે બાબતની વિગત એવી છે કે આફતાબે રવિરાજસિંહને વિશ્વાસમાં લઈ જીજે 03 એમએચ 5673 નંબરની ક્રેટા કારની રૂ. 17,40,000ની બેંકમાં લોન કરાવી અંજાર શોરૂમમાંથી ડીલેવરી અપાવી હતી અને માસિક હપ્તા રૂ. 34,623ના પોતે ભરી દેશે તેવું રવિરાજસિંહને જણાવી રૂ. 2,00,000 એડવાન્સ લઈ ગયો હતો બાદમાં ગાડીના હપ્તા નહીં ભરી રવિરાજસિંહને ગાડી પણ ન આપતા રવિરાજસિંહે સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આફતાબ સામે આઈપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ ડી.પી. ચુડાસમા ચલાવી રહ્યા છે.
0 Comments
Post a Comment