સપ્લાયરનું નામ ઓક્યું: અન્ય ત્રણ દરોડામાં ત્રણ બોટલ તથા આઠ બીયર સાથે ચાર ઝડપાયા

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગર શહેરમાં સ્થાનિક પોલીસે જુદા જુદા ચાર દરોડામાં ઈંગ્લીશ દારૂની 23 નંગ બોટલ તેમજ આઠ નંગ બીયર સાથે પાંચ શખ્સોને ઝડપી લઈ એક શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ શંકરટેકરી વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વાડી પાછળ શાસ્ત્રીનગરમાંથી શનિવારે મોડી રાત્રે તે જ વિસ્તારમાં રહેતો હરેશ નેણશીભાઈ ગોરી નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની 20 નંગ બોટલ કિંમત રૂ. 10,000 લઈને નીકળતા સીટી સી ડિવિઝન પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી દારૂનો જથ્થો ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દિ. પ્લોટ 58માં બાળકના સ્મશાન પાસે રહેતો કેતન ઉર્ફે કેતુ વસંતભાઈ ગોરીએ પુરો પાડ્યો હોવાની કબુલાત આપતા પોલીસે કેતનની શોધખોળ હાથ ધરી છે.

જયારે શનિવારે સાંજે ડીફેન્સ કોલોનીમાં મહાદેવના મંદિર સામેથી હુલનમીલની બાજુમાં રહેતો હાર્દિક ઉર્ફે હદુળો રાજેશભાઈ જીલ્કા નામનો શખ્સ નીકળતા સીટી સી ડિવિઝન પોલીસે તેને અટકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની બે નંગ બોટલ કિમંત રૂ. 1000સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત સીટી બી ડિવિઝન પોલીસે શનિવારે રાત્રે બેડીના ઢાળીયા પાસેથી બેડેશ્વરમાં મોમાઈ ગરબી મંડળની બાજુમાં રહેતો સમીર ઉર્ફે હિરેન અરવીંદભાઈ ઉમરાણીયા તથા બેડીમાં દીવેલીયા ચાલીમાં રહેતો હશન સુલેમાનભાઈ કક્કલ નામના શખ્સોને એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ સીટી એ ડિવિઝન પોલીસે શનિવારે રાત્રે જામનગર શહેરમાં આવેલ દિ. પ્લોટ 54માં વિશ્રામ વાડી જાહેર રોડ પરથી ન્યુ ઈન્દીરા કોલોનીમાં રહેતો વિજય માધવજીભાઈ રાઠોડ નામના શખ્સને આઠ નંગ બીયરના ટીન સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.