બોલેરો ચાલક તથા સાથે રહેલા શખ્સ ફરાર: જામનગર-સિક્કામાં ત્રણ દરોડામાં 33 બોટલ સાથે ત્રણ ઝડપાયા: બે ફરાર  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ રોડ પરથી ઈંગ્લીશ દારૂની 797 નંગ બોટલ ઝડપી લઈ રૂ. 7.9 લાખનો મુદામાલ કબ્જે કરી ચાલક તથા સાથે રહેલ શખ્સ નાસી જતા શોધખોળ હાથ ધરી છે, જયારે જામનગર શહેરમાંથી તથા સિક્કામાંથી ત્રણ દરોડામાં ઈંગ્લીશ દારૂની 33 નંગ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ બે શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામથી માલવડા નેશ તરફ રસ્તે આવેલ નદી નજીકથી શનિવારે બપોરે પાંચ વાગ્યા આસપાસ જીજે 11 ટીટી 9642 નંબરના બોલેરો ચાલકને શંકાના આધારે રોકતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 797 નંગ બોટલ કિમંત રૂ. 3,98,500 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. 7,09,500 કબ્જે કરી બોલેરો ચાલક તથા તેની સાથે રહેલ શખ્સો નાસી જતા તમામને ફરાર જાહેર કરી આગળની તપાસ પીએસઆઈ એમ.જી. વસાવા ચલાવી રહ્યા છે. 

જયારે જામનગર શહેરમાં ખોડીયાર કોલોનીમાં છેલ્લી શેરીમાં રૂમ નં. 120માં રહેતો નરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં સીટી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શનિવારે રાત્રે દરોડો કરી ઘરમાં વેંચાણ અર્થે રાખેલ ઈંગ્લીશ દારૂની 17 નંગ બોટલ રૂ. 8500 સાથે ઝડપી લઈ પ્રોહી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


ઉપરાંત જામનગર શહેરમાં જનતા ફાટક પાસે આવેલ કામદાર કોલોનીમાં શેરી નંબર આઠમાંથી સીટી સી ડિવિઝન પોલીસે શનિવારે સાંજે બાતમીના આધારે જયરાજસિંહ હસમુખસિંહ જાડેજાને ઈંગ્લીશ દારૂની 11 નંગ બોટલ કિમંત રૂ. 5500 સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કૃષ્ણનગરમાં રહેતો વિરલ ઉર્ફે વીડી વિજયભાઈ દુધરેજીયાએ સપ્લાય કર્યો હોવાની કબૂલાત આપતાં તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

અને જામનગર જિલ્લાના સિક્કામાં પંચવટી ફાટક પાસેથી શનિવારે રાત્રે સિક્કા પોલીસે બાતમીના આધારે મોહશીન કાદરભાઈ ગજણ (રહે. નાગાણી, સરમત) નામના શખ્સને ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ કિમંત રૂ. 2500 સાથે ઝડપી લઈ સકીના દાઉદભાઈ ગજણને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.