એલસીબી દ્વારા કાર્યવાહી: સપ્લાયરની શોધખોળ 

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેરમાં એલસીબીએ બાતમીના આધારે ગઈકાલે ત્રણ દરોડા કરી ઈંગ્લીશ દારૂની 93 નંગ બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લઈ એક સપ્લાયરનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂની બદી અંગે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપેલ હોય જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.પી. ગોહિલ અને પી.એન. મોરી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી અને હરદીપભાઈ ધાધલને મળેલ બાતમીના આધારે ગુલાબનગર રાજમોતી સોસાયટીમાં રહેતા જીતુદાન રાયદેભાઈ ગઢવીએ પોતાના મકાનમાં જીજે 15 સીએફ 3774 નંબરની કારમાં વેંચાણ અર્થે ઈંગ્લીશ દારૂની 70 નંગ બોટલ કીમંત રૂ. 28,000 તથા ફોન અને કાર મળી રૂ. 2,33,000નો મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ધ્રાંગધ્રા તાલુકાના જીવાગામના પદુભાએ સપ્લાય કર્યો હોવાની કબૂલાત આપતા શોધખોળ હાથ ધરી છે. 

જયારે શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજભાઈ ખફીએ બાતમીના આધારે જીજે 10 સીકે 1752 નંબરની મોટરસાયકલની તલાસી લેતા શરૂસેક્શન રોડ એમપીશાહ ઉધોગનગરની પાછળ રહેતો હરદેવસિંહ ઉર્ફે દાબેલી ગુમાનસિંહ જાડેજાના કબ્જામાંથી ઈંગ્લીશ દારૂની 11 નંગ બોટલ કીમંત રૂ. 4400 તથા ફોન અને મોટરસાયકલ મળી રૂ. 34,900નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.     

ઉપરાંત યશપાલસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ગુલાબનગર શ્યામ ટાઉનશીપમાં રહેતો અજય કેશુભાઈ હડીયલના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ વેંચાણ અર્થે રાખ્યો હોય ત્યાં દરોડો કરી ઈંગ્લીશ દારૂની 12 નંગ બોટલ કિમંત રૂ. 4800 તથા મોટરસાયકલ અને ફોન મળી રૂ. 9800નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.