જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


ખંભાળિયા-સલાયા ધોરીમાર્ગ પર સોડસલા ગામે આવેલા એક જાણીતા શિવ મંદિરમાં ગત તારીખ 28 ના રોજ રાત્રીના સમયે કોઈ તસ્કરોએ ખાતર પાડી, મંદિરમાં રહેલા ચાંદીના નાગ, મુગટ વિગેરે મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા અને મંદિરમાં સેવાપૂજા કરતા સોમગીરી કલ્યાણગીરી ગોસ્વામી (ઉ.વ. 58) એ સલાયા મરીન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ગત તારીખ 28મી ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે તેઓ સોડસલા ગામના નાગનાથ મહાદેવના મંદિરમાં પૂજા-આરતી કરી અને બાદમાં લોક મારીને બાજુમાં રહેલા તેમના રહેણાંક મકાને ચાલ્યા ગયા હતા. જે ફરી તારીખ 1 માર્ચના રોજ સવારે સાત વાગ્યે મંદિરમાં પહોંચતા મંદિરની બહારનો દરવાજો ખુલ્લો હતો. જે ખોલીને અંદર પ્રવેશતા પ્રથમ દરવાજાનું લોક તેમજ નીજ મંદિરનું તાળું પણ તૂટેલું હોવાનું તેમના ધ્યાન આવ્યું હતું.

આ મંદિરમાં જઈને જોતા શિવલિંગ પર રહેલો ચાંદીનો નાગ તેમજ પાર્વતીજી તથા ગંગાજીની મૂર્તિ પણ ચડાવવામાં આવેલા મુગટ આ સ્થળેથી ગુમ થઈ ગયા હતા. આ ચોરી પ્રકરણમાં રૂપિયા 74,000 ની કિંમતનો બે કિલોગ્રામ વજનનો ચાંદીનો નાગ તથા રૂપિયા 18,500 ની કિંમતના 500 ગ્રામ ચાંદીના મુગટ મળી કુલ રૂ. 92,500 નો મુદ્દામાલ ચોરી થયાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયાના ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ.ના નિષ્ણાંતોની સેવાઓ લેવાની તાજવીજ પણ કરવામાં આવી હતી.