જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજતા શ્રી સંધાયડા વાળા જખ્ખ બૌતેરા ડાડાની જગ્યામાં સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ તથા જખ્ખ બૌતેરા પહોળી સમિતિ દ્વારા આગામી શુક્રવાર તારીખ 10 મીના રોજ બૌતેરા ડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં શુક્રવારે સવારે 10 વાગ્યે નૂતન ધ્વજારોહણ, સાંજે 5:30 વાગ્યે મહા આરતી, 6:30 વાગ્યે સમૂહ પ્રસાદી તથા રાત્રે 10 વાગ્યે ભજન-સંતવાણીના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણી કાર્યક્રમમાં જાણીતા કલાકાર પરસોતમપરી બાપુ, દિલીપદાન ગઢવી શિવજીભાઈ સંઘાર, જેવા જાણીતા કલાકારો ભજન-ધૂનની રમઝટ બોલાવશે.

આ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ વાગડના ક્ષત્રિય સંઘાર સમાજ તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ આયોજન માટે સમિતિના ઉપેન્દ્રભાઈ સંઘાર, જેસંગભાઈ સંઘાર તથા કેશુભાઈ સંઘાર વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.