જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા) 


ઘરના આંગણે ચી...ચી... કરતા નાનકડા પક્ષી એવી ચકલી સૌ કોઈ વ્યક્તિને આકર્ષે છે. ઘરના આંગણાને સુમધુર સ્વરથી ગુંજવતા ચકીબેન એક નિર્દોષ અને સૌને ગમે તેવું પક્ષી છે. કોઈપણ પ્રકારના ગંદકી ન ફેલાવતા અને ઘરને શોભે તેવા પક્ષી ચકીબેન ખાસ કરીને બાળકોનું પ્રીતિપાત્ર છે. નાનપણમાં આવતી કવિતાઓમાં પણ ચકીબેનના ગીતો ગવાયા છે. ત્યારે આ નિર્દોષ અને નાનકડા પક્ષી જીવ ચકલીની પ્રજાતિનું છેલ્લા કેટલાક વર્ષોમાં જાણે અસ્તિત્વના જોખમમાં આવી ગઈ હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

વધતા જતા કોંક્રિટના જંગલ તેમજ ઓછા થતા વૃક્ષો, બાગ-બગીચાઓના કારણે જાણે ચકલીનું રહેણાંક છીનવાઈ રહ્યું હોય તેવું ચિત્ર હાલ ખડું થયું છે. વર્તમાન સમયમાં ગાઢ વૃક્ષો તેમજ ગ્રામ્ય વિસ્તારો, વાડી વિસ્તારોમાં જ થોડા-ઘણા અંશે ચકલી જોવા મળી રહે છે. પરંતુ શહેરી વિસ્તારોમાં ચકલીના દર્શન દુર્લભ બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે લોકોએ જાગૃત થઈ અને ચકલીના અસ્તિત્વ માટે તેમને લાયક નાના રહેઠાણ, ચણ, પાણી તેમજ વૃક્ષો વાવવા બાબતે ખાસ લક્ષ્ય આપવું પડશે.

ખંભાળિયાના ચકલી પ્રેમી અને ફોટોગ્રાફર મિલનભાઈ કોટેચાએ તેમના ઘર વિસ્તારમાં ચકલીઓના ખાસ માળા ગોઠવ્યા છે. જેમાં નિયમિત રીતે ચણ તેમજ પાણી રાખી તેની સાફ-સફાઈ કરતા દરરોજ અહીં મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે અને ચકલીની સંગીતમય ચી...ચી... થી વાતાવરણ સંગીતમય બની રહે છે.