અન્ય ચાર મદદ કરનાર શખ્સની શોધખોળ: સિક્કા પોલીસે યુવતીના બળત્કારની ફરિયાદ લીધી ન હતી: કોર્ટેના આદેશ બાદ દુષ્કર્મનો ગુનો નોંધાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતી એક યુવતી પર દુષ્કર્મ ગુજારવા અંગે જામનગરના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવાઇ છે. ઉપરાંત તેમાં મદદગારી કરનાર અન્ય પાંચ શખ્સો સામે પણ ગુન્હો નોંધાયો છે. પોલીસે મુખ્ય આરોપી તથા એક મદદગારની ધરપકડ કરી લઈ જેલહવાલે કર્યા છે, જ્યારે અન્ય ચાર ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના સિક્કા ગામમાં રહેતી એક યુવતી કે જે છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિ સાથે અણબનાવ થતાં માવતરે સિક્કા આવીને રિસામણે બેઠી હતી. દરમિયાન જામનગરના વતની એવા ચાંપરાજ ભીખા હાજાણી દ્વારા અન્ય સાગરીતોની મદદથી રિસામણે બેઠેલી યુવતીનું 15 જાન્યુઆરીના રોજ અપહરણ કરાયું હતું, અને તેણીને એક વાડીમાં ગોંધી રાખી તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર પછી યુવતીના મૈત્રી કરાર અંગેના રજીસ્ટ્રાર કચેરીમાં કરારના કાગળોમાં યુવતીના અંગુઠા મરાવી લીધા હતા, અને લગ્નની નોંધણીના કાગળો સાથે સિક્કા પોલીસ મથકમાં હાજર થયા હતા.

યુવતીના પિતા દ્વારા યુવતી ગુમ થયાની નોંધ કરાવી હોવાથી સિક્કા પોલીસ સમક્ષ બંનેએ લગ્ન કરી લીધા હોવાનું જણાવીને તે અંગેના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે માત્ર અરજી લઈને તપાસ ચલાવી હતી, પરંતુ દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કર્યો ન હતો. અને યુવતીને તેના માતા-પિતાના ઘરે જવા દેવામાં આવી હતી. રમિયાન ભોગ બનનાર યુવતીએ જામનગરની અદાલતનું શરણ લીધું હતું, અને સિક્કા પોલીસે પોતાની દુષ્કર્મની ફરિયાદ નોંધી નથી, તેવી વકીલ મારફતે રજૂઆત કરી હતી. જે અરજીના અનુસંધાને અદાલતે જામનગરના જિલ્લા પોલીસવડાને દુષ્કર્મ ગુજારવા અંગેની ફરિયાદ નોંધવા તેમજ જે તે જવાબદાર પોલીસ કર્મચારી અંગેનો જરૂરી ખુલાસો મેળવવા આદેશ કર્યો હતો. જે આદેશના અનુસંધાને તાજેતરમાં સિક્કા પોલીસ મથકમાં યુવતીની દુષ્કર્મ અંગેની ફરિયાદ લેવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે જામનગરમાં રહેતા ચાંપરાજ ભીખા હાજાણી નામના 30 વર્ષના શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, આ ઉપરાંત આ કાર્યમાં મદદગારી કરવા અંગે તેના ભાઈ બુધાભાઈ હાજાણી, ઉપરાંત અન્ય પિતરાઈ ભાઈ સહિતના સાગરીતો જયદેવ હાજાણી, નાગસુર હાજાણી, મારગુન હાજાણી અને દેવાત હાજાણી ના નામો અપાયા હતા.

આ પ્રકરણની આગળની તપાસ મેઘપર- પડાણા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવી હતી, જેની તપાસના અનુસંધાને મેઘપર પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી ચાંપરાજ ભીખા હાજાણીને તેમજ મદદગારી કરનાર તેના ભાઈ બુદ્ધા ભીખા હાજાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે બંનેને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. ભોગ બનનાર યુવતીની તબીબી ચકાસણી કરી લેવાયા પછી તેણીને પોતાના માવતરે જવા દેવામાં આવી છે, ઉપરાંત અન્ય ચાર ફરારી આરોપીઓ કે જેઓ જામનગર તાલુકાના શાપર તેમજ લાખાબાવળ ગામના વતની છે, જેઓની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.