જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


દ્વારકા - પોરબંદર રોડ પર ભીમપરા ગામના પાટિયા પાસે દ્વારકાથી રાજકોટ પરત ફરતી વખતે કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવતાં કાર રોડ પરથી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર લોકો પૈકી ચાલક સહિત બે મુસાફરોના ધટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે અન્ય બે વ્યકિતઓ ઘાયલ થઈ હતી.

આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ રાજકોટથી જી.જે. 16 એ.પી. 8976 નંબરની સેન્ટ્રો મોટરકાર લઈને નીકળેલા લાલાભાઈ રણછોડભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભાંભા નામના 21 વર્ષના ભરવાડ યુવાન આજરોજ સવારે આશરે પોણા 11 વાગ્યાના સમયે દ્વારકાથી દર્શન કરીને નીકળતા પોરબંદર માર્ગ પર ભીમપરા ગામ નજીક પહોંચતા કારના ચાલક લાલાભાઈએ મોટર કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે આ મોટરકાર રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં કાર ચાલક લાલાભાઈ રણછોડભાઈ (ઉ.વ. 21) તથા તેમની સાથે જઈ રહેલા હરેશભાઈ ગંગારામ મંગલાણી (ઉ.વ. 38, રહે નાના મવા, રાજકોટ) નામના બે યુવાનોને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે આ કારમાં જઈ રહેલા અન્ય બે યુવાનો સાગર મૂળજીભાઈ સોલંકી અને અજય તારાચંદ મંગલાણીને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ધટનાની જાણ હાઈવે ઓથોરીટીની હેલ્પલાઇન નંબર 1033 માં કરાતા ઓથોરીટી ટોલ પ્લાઝાના મેનેજર પબુભા એભાભા કાજરા તથા તેમની ટીમએ ધટના સ્થળે દોડી જઈ તમામ ધાયલ લોકોને દ્વારકા સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તથા મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રાજકોટના નાના મવા વિસ્તારમાં રહેતા ભરવાડ કાનાભાઈ ઘેલાભાઈ ભાંભા (ઉ.વ. 36) ની ફરિયાદ પરથી મૃતક કારના ચાલક લાલાભાઈ રણછોડભાઈ ભાંભા સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. આર.એસ. સુવાએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.