લંડનમાં જયેશ પટેલ સામે એક કેસ ચાલુ હોવાથી થોડા મહિના રાહ જોવી પડશે: અતિચકચારી ગુજસીટોક પ્રકરણ, વકીલ કિરીટ જોશી મર્ડર અને જમીન કૌભાંડનો આરોપી છે જયેશ પટેલ: જયેશ પટેલને ભારત પરત મોકલવા લંડન કોર્ટનો નિર્ણય
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના અતિચકચારી ગુજસીટોક પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલને ભારત મોકલવા માટે લંડન કોર્ટ દ્વારા નિણર્ય લેવાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે જામનગર પોલીસ દ્વારા લાંબા સમયથી મહેનત કરવામાં આવતી હતી. જે કાનૂની ગૂંચ ઉકેલાયા બાદ હવે આરોપી જયેશને ભારત લાવામાં આવશે. જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા અને જમીન કૌભાંડ સહિત થોકબંધ ગુન્હાઓ નોંધાયા છે. ત્યારે હવે જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને ગુજરાત પરત લવાશે. ગઈકાલે સાંજે જામનગર જિલ્લા પોલીસવડાને સત્તાવાર રીતે મેઈલ કરીને જયેશ પટેલને ભારત પરત મોકલવા પર આપેલ ચુકાદાની 300 પેજની કોપી મોકલી આપી છે. હવે બંને દેશ વચ્ચે ઔપચારિક કાયદાકીય પ્રક્રિયા બાદ પરત મોકલી દેવામાં આવશે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી વિડીયો કોન્ફરન્સથી લંડનની કોર્ટમાં જયેશને પરત લાવવા માટે દલીલો કરી રહ્યા હતા. લંડનની કોર્ટ દ્વારા જયેશ પટેલને ભારત પરત મોકલવા માટે હુકમ કરવામાં આવ્યો છે. કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને ગુજરાત પરત લાવવામાં આવશે. પણ ભારતમાં જયેશને લાવવા માટે હજુ થોડા મહિનાઓ રાહ જોવી પડશે, પોલીસના જણાવ્યા અનુસાર જયેશ પટેલ સામે લંડનની કોર્ટમાં એક કેસ ચાલે છે તે કેસનો નિકાલ આવતા હજુ ત્રણ મહિનાનો સમય લાગશે. જયેશ પટેલે કોર્ટમાં ભારત ન આવવું પડે તે માટે અનેક બહાના રજૂ કર્યા હતા પરંતુ જયેશ પટેલ આ વખતે ક્યાંય સફળ થયો ન હતો અને કોર્ટે તેની વિરુધ્ધ ફેંસલો આપ્યો હતો.
કોણ છે જયેશ પટેલ?
જયેશ પટેલ વકીલ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે. ટૂંકાગાળામાં જ જયેશ પટેલ માલેતુજાર બની ગયો હતો. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. જમીન પચાવી પાડવી, ખંડણી, અપહરણ, હત્યા સહિતના અનેક ગુનાઓ તેના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા કરી હતી. વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની ચપ્પાના ઘા મારીને હત્યા કરાઈ હતી. કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષીઓને જયેશ પટેલે ધમકી આપી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા છે. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે. 2018માં અમદાવાદના 2, રાજકોટથી 1 એમ કુલ 3 સાગરિતોની ધરપકડ થઈ હતી.
જયેશ પટેલ સામે હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના
મહત્વનું છે કે, જયેશ પટેલ વિરૂદ્ધ જમીન પચાવી પાડવી, હત્યા, ખંડણી, બોગસ દસ્તાવેજો સહિતના 42 ગુના દાખલ છે. જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કાયદો પણ લગાવાયો છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડોવણી છે. આ ઉપરાંત તે ગુજસીટોક પ્રકરણમાં મુખ્ય આરોપી છે. થોડા વર્ષો અગાઉ દેશ છોડીને વિદેશ ભાગી ગયેલા મૂળ જામનગરના જયેશ પટેલ ઉર્ફે જયસુખ મુળજીભાઈ રાણપરીયાની માર્ચ 2021માં લંડન ખાતે બોગસ પાસપોર્ટ ધારા હેઠળ ગુનો દાખલ કરાયા બાદ આ ધારા હેઠળ ત્યાંની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ ગુજરાત અને જામનગરમાં નોંધાયેલા કેસમાં તેને પરત ભારત લાવવા માટેના પ્રયાસો પણ ચાલુ હતા જેમાં વિદેશની ધરતી પર લાંબી કાનૂની લડાઈ બાદ પોલીસને સફળતા મળી હતી.
ભારત સરકાર દ્વારા આરોપીનો પ્રત્યાપણથી કબ્જો લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, આ અંગેનો કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. આ અગાઉ થયેલી સુનાવણીમાં લંડનની વેસ્ટમીનસ્ટર મેજીસ્ટ્રેટની કોર્ટમાં જયેશ પટેલને વીડિયો કોન્ફરન્સ મારફતે હાજર રખાયો હતો. આ દરમિયાન ભારત સરકાર વતી કલેર ડોબિન નામક ધારાશાસ્ત્રી હાજર રહ્યા હતાં.
જયેશની ક્રાઇમ કુંડળી
- જામનગરમાં 1999માં બ્રાસના ચીટીંગના ગુન્હામાં ઝડપાયો
- જામનગરમાં 2000માં વાહન ચોરીના ગુન્હામાં ઝડપાયો
- રાજકોટમાં 2000માં ચીટીંગ કરી મોટર સાયકલ પચાવી પાડવાનો ગુન્હો
- રાજકોટના કોટડા સાંગાણીમાં 2004માં ચીટીંગનો ગુન્હો
- જામનગરમાં 2006માં આંગડીયા ચીટીંગ અને અન્ય ચીટીંગના ત્રણ ગુન્હા
- જામનગરમાં 2008માં પ્લોટ પચાવી પાડી મારામારીનો ગુન્હો
- જામનગરમાં 2010માં શહેરના ગ્રીનસીટી, રણજીતસાગર રોડ પર જમીન પચાવી પાડવા માટે અપહરણ, ધાક ધમકી આપવા જે ત્રણ ગુનામાં ધરપકડ તેમજ ચંગા ગામે જમીન પચાવી પાડવા માટે ખૂનના ગુન્હામાં તેમજ લાલપુરમાં ધોરીવાવમાં ખોટા દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ગુનામાં ધરપકડ થયેલી 2021માં ગુજસીટોક અને લેન્ડગ્રેબિંગનો ગુન્હો નોંધાયો
- 2011માં ખોટા દસ્તાવેજ બનાવી જામનગર અને લાલપુરમાં જમીન પચાવી પાડવા માટે અલગ અલગ ગુન્હા નોંધાયેલા અને ખુનની કોશીનો ગુન્હો નોંધાયો હતો.
- 2014માં ગાંધીનગર સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી દસ્તાવેજ બનાવી લેવા અંગેનો ગુન્હો
- 2015માં અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવાનો ગુન્હો
- 2015માં જમીન પચાવી પાડવા માટે ખેડૂતોને માર મારી મોબાઈલની લૂંટ ચલાવી ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગે બે ગુન્હા
- 2016માં જામનગર શહેરમાં જમીન પચાવી પાડવાના અલગ અલગ ત્રણ ગુન્હો
- 2016માં સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવાનો ગુન્હો
- 2016માં જામનગરમાં મોબાઈલ લૂંટનો ગુન્હો
- 2017માં કસ્ટડી દરમિયાન પોલીસ જાપ્તામાંથી નાશી જવાની કોશિષ અને સગવડો પુરી પાડવા અંગેનો ગુન્હો
- 2017માં મહારાષ્ટ્રના શહેર પોલીસ સ્ટેશનમાં ખોટા પાસપોર્ટ આધારે વિદેશ ભાગવાની ફેરવી કરવા ઝડપાયો હતો
- 2018માં જામનગરના વકીલ કિરીટ જોશીના ખૂનનો ગુન્હો જયેશ સામે જાહેર કરવામા આવી હતી રેડકોર્નર નોટિસ
- 2018માં કિરીટ જોશીની હત્યા કેસના સાક્ષી હસુ પેઢડિયાને ધમકી આપવાનો ગુન્હો
- ડીઆરઆઈ ગાંધીધામ તેમજ ડીઆરઆઈ મુંબઈમાં બ્રાસપાર્ટ તેમજ સિગારેટના કેસ નોંધાયેલા હતા
- હવાલા મારફતે નાણાની હેરફેર મામલે ઇડીમાં ગુન્હો નોંધાયો હતો
- 2019માં જમીન દલાલ પર ફાયરીંગનો ગુન્હો
- 2019માં જામનગરમાં અલગ અલગ ચાર જમીન પચાવી પાડવા માટે ખોટી પ્રેસનોટ આપી ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુન્હો
- 2019માં નિશા ગોંડલિયાને ધમકી આપવા અને હથિયાર બતાવવાનો ગુન્હો
- 2019માં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જમીનના ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અંગેનો ગુન્હો
- 2019માં વાડીનાર પાસે ફાયરીંગના ગુનામાં સંડોવણી
- 2020માં જામનગરના બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગ કરાવવાનો ગુન્હો
- મુંબઈના વાલીવ પોલીસ સ્ટેશનમાં સીગારેટ ચોરીનો ગુન્હો
- 2020માં ગુજસીટોક હેઠળ અને લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો
- 2020માં હથિયાર સપ્લાય અંગેનો ગુન્હો
- 2021માં જામનગરના બિલ્ડર જયસુખ પેઢડિયા પર ફાયરીંગ કરવાના ખૂનની કોશિશનો ગુન્હો
0 Comments
Post a Comment