સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ખંભાળિયાની જાણીતી શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં વિવિધ ક્ષેત્રમાં યોજાયેલી સ્પર્ધાઓમાં ગોલ્ડ તથા સિલ્વર સહિતના મેડલો ઉપરાંત અન્ય પારિતોષિકો હાંસલ કરતા અહીંની સ્કૂલ ખાતે તેઓને સન્માનિત કરવાનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી અને અહીંની પ્રથમ હરોળની શૈક્ષણિક સંસ્થા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા આજરોજ શાળા પરિસર ખાતે વિદ્યાર્થીઓને વિવિધ પ્રદર્શન તથા સિદ્ધિ બદલ મેડલ એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અહીંના સિનિયર પત્રકાર કુંજનભાઈ રાડિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ મયુરભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઇન્ટરનેશનલ જનરલ નોલેજ ઓલમ્પિયાડ્સ એક્ઝામમાં અહીંના 16 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા હતા. નેશનલ સાયન્સ ઓલમ્પિયાડ ખાતે ચાર વિદ્યાર્થીઓને મેડલ મળ્યા હતા. જેમાં એક ડિસ્ટ્રિક્શન સાથે ત્રણ વિદ્યાર્થીઓએ એકસીલેન્ટ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

ધોરણ 2 ની વિદ્યાર્થીની શર્મા આધ્યા, ધોરણ 7 ના રોય સુહવમ, ધોરણ 8 ના માન્યા બામરોટીયા તથા ધોરણ 9 ના આદિત્ય મકવાણાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કરાટે આઈ.એસ.કે.યુ. ઓલ સૌરાષ્ટ્ર ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં રાજકોટ ખાતેની સ્પર્ધામાં બે ગોલ્ડ, 8 સિલ્વર તથા 20 બ્રાન્ચ મેડલ મળ્યા હતા.

અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ ખાતે ધોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દર્શિલ કોટેચાને હાર્મોનિયમ વગાડવાની પ્રથમ પરીક્ષામાં ઉતરીને થવા બદલ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું હતું.

આમ, સંસ્થાના વિદ્યાર્થીઓને વિવિધ મેડલ તથા પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી ,ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા પત્રકાર કુંજનભાઈ રાડિયાએ આ શૈક્ષણિક સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી, વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. જે બદલ શાળાના આચાર્ય ફાધર બેની જોસેફે પ્રસંગિક ઉદબોધન કરી, સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.