મુંબઈથી જથ્થો લઈ જામનગર આવતા સમયે ઝડપાયા: મુંબઈ સહિતના બે શખ્સની શોધખોળ: રૂ. 6.73 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર   


જામનગરમાં નશાનો કારોબાર ચલાવી રહેલા દંપતીને રૂ. 6 લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એસઓજી પોલીસે બાતમીના આધારે ખીજડીયા બાયપાસ પાસેથી ઝડપી લીધા હતા અને ડ્રગ્સનો જથ્થો મુંબઈથી એક નાઇઝીરીયન નાગરિક પાસેથી લીધાનું કબૂલાત આપતા નાઇઝીરીયન શખ્સને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરના હાપા લાલવાડી વિસ્તારમાં આવેલી આવાસ કોલોનીમાં રહેતા સલીમ કાદરભાઈ લોબી અને રેશ્માબેન સલીમ લોબી નામનું દંપતી નશીલા પદાર્થને મુંબઈથી આયાત કરીને વેંચાણ કરી રહ્યા છે અને દંપતી બસ મારફતે જામનગર તરફ આવી રહ્યા હોવાની બાતમી એસઓજી પોલીસના સંદીપભાઈ ચુડાસમા, રાજેશભાઈ મકવાણા અને હર્ષદભાઈ ડોરીયાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવી સલીમ અને તેની પત્ની રેશ્માબેન બસમાંથી ઉતરીને જામનગરમાં ઘુસવાનો પ્રયત્ન કરે તે પહેલા જ બંનેને અટકાયતમાં લઈ લીધા હતા અને તેઓની તલાસી લેતા દંપતીના કબજમાંથી રૂ. 6 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સનો 60 ગ્રામ પાઉડર મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 70 હજારની કિંમતના ત્રણ નંગ ફોન, 3290 રૂપિયા રોકડ અને 50 રૂપિયાનું પર્સ કુલ મળી રૂ. 6,73,340નો મુદામાલ કબ્જે કરી દંપતીને પંચકોશી એ ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દેવામાં આવ્યા હતા. દંપતી સામે એનડીપીએસ એક્ટની કલમ 8 (સી), 22 (સી), 29 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સનો જથ્થો મુંબઈમાં ડોંગરી વિસ્તારમાં મનીષ માર્કેટ પાછળના ભાગમાં રેલવેના પાટા પાસેથી જોન નામના નાઇઝીરીયન શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું અને તેઓની સાથે સમીર ઈક્બાલભાઈ સમા નામનો શખ્સ પણ ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં જોડાયો હોવાનું ખુલ્યું હતું આથી પોલીસે લાલવાડી આવાસમાં રહેતો સમીર અને નાઇઝીરીયન શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.