અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી: ગુજરાતભરમાં 15 સ્થળોએ ધાર્મિક વિધિના નામે લાખોની ઠગાઈ આચરી હોવાની કબૂલાત: એલસીબી દ્વારા કાર્યવાહી
જામનગર મોર્નિંગ - જામનગર
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચને બીમારી દૂર કરવાના ચમત્કાર બતાવી તેમજ કરોડો રૂપિયા બનાવી દેવાની લાલચ આપી રોકડ રૂપિયા અને સોનાના દાગીના સહિત રૂ. 1.28 લાખની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં સંડોવાયેલ ચાર મદારીને જામનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ પૂછપરછ દરમિયાન ગુજરાત ભરમાં 15 જગ્યાએ ધાર્મિક વિધિના નામે લાખો રૂપિયા પડાવી લીધાની કબૂલાત આપી હતી તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ ગીંગણી ગામના સરપંચ રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયાએ રવિવારે જામજોધપુટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતાને સાધુના વેશમાં આવેલા પાખંડીઓએ પત્ની અને પુત્રની બીમારી દૂર કરવાનું જણાવી તેમજ ચમત્કારના માધ્યમથી વધુ રૂપિયા બનાવી આપવાની વિશ્વાસમાં લઈ પૂજા વિધિ કરાવી કટકે કટકે રોકડ રૂ. 84.14 લાખ અને 84 તોલા સોનાના દાગીના સહિત રૂ. 1,28,71,500ની રકમની છેતરપીંડી અને લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી અને ટેક્નિકલ સેલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી જામજોધપુર, રાજકોટ, મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તે દરમિયાન પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.કે. કરમટા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને નિર્મળસિંહ જાડેજાએ લાલપુરથી જામનગર તરફ એક ઈકો કાર જેના નંબર જીજે 13 એઆર 7675 જેમાં એક ટોળકી સાધુના વેશમાં છેતરપીંડીના બહાને આવી રહી છે તેવી બાતમી મળતા ઈકો કારને રોકાવી જે કારમાં ચાર વ્યક્તિઓ બેઠેલી હતી. તેઓના નામ પૂછતાં ધારૂનાથ જવરનાથ સોલંકી (મદારી), રૂમાલનાથ સુમરનાથ પરમાર (મદારી), જોગનાથ કાળુનાથ પરમાર (મદારી) અને વિજય જવરનાથ સોલંકી (મદારી) (રહે. તમામ વાંકાનેર તાલુકાના ભોજપરા મદારી વસાહત) જણાવ્યા હતા.
ચારેય શખ્સોને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા તેઓએ જામજોધપુરના ગીંગણી ગામના સરપંચ પાસેથી રોકડ અને સોનુ પડાવી લીધું હોવાની કબૂલાત આપી હતી. જેમાં તેઓના બે સાગરીતો ભોજપરા ગામના બહાદુરનાથ સુમરનાથ પરમાર અને જાલમનાથ વિરમનાથ પરમાર પણ સામેલ હોવાની કબૂલાત આપી હતી. એ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ચારેય શખ્સો પાસેથી રોકડ રૂ. 75,40,000 તેમજ રૂ. 41,57,500ના સોનાના દાગીના, રૂ. 2,50,000ની ઈકો કાર અને 2500ની કિમંતના પાંચ નંગ મોબાઈલ ફોન કુલ મળી રૂ. 1,19,50,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ચારેય શખ્સો સાધુના ભગવા કપડાં પહેરી ફરતા હતા અને તે પૈકી એક દિગંબર અવસ્થામાં ગુરુનો વેશ ધારણ કરતો અને ગીંગણી ગામે તેઓ રુદ્રાક્ષની માળા સાથે પહોંચ્યા હતા અને સરપંચને બીમારી દૂર કરવાનું બહાનું બતાવી તેમ જ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ધાર્મિક વિધિ તથા પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થશે તેમજ બીમારી દૂર થશે તેવું પ્રલોભન આપ્યું હતું અને ચમત્કાર બતાવી રૂપિયા દેખાડ્યા હતા અને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી પ્રવાહીની શીશી આપી હતી અને એક પતરાની પેટીમાં કરોડો રૂપિયા ભરી આપી પેટીને ધૂપ આપવા જણાવી છેતરપીંડી કરી હતી અને પૈસા લઈને ભાગી છૂટ્યા હતા. હજુ પણ વધુ પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાની ના પાડતાં તેને માર મારી લૂંટ ચલાવી હતી.
બાદમાં આ ચારેય શખ્સોની વધુ પૂછપરછ દરમિયાન તેઓએ સમગ્ર ગુજરાત ભરમાં 15 જેટલા સ્થળોએ ધાર્મિક વિધિના નામે નાણાં પડાવી લીધાનું કબુલ્યું હતું જેમાં સુરેન્દ્રનગરમાંથી દોઢ લાખ, રાકોટમાં આજીડેમ ચોકડી પાસેથી 30 હજાર, ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી પાંચ લાખ, અમરેલી જિલ્લાના રાજુલામાંથી બે લાખ, જુનાગઢ શહેરમાંથી દોઢ લાખ, પોરબંદર શહેરમાંથી 60 હજાર, સુરેન્દ્રનગરના હળવદમાંથી બે લાખ, દીવ શહેરમાંથી પાંચ લાખ, સુરત શહેરમાંથી દસ લાખ, ગાંધીધામ કચ્છમાંથી દોઢ લાખ, ભુજ કચ્છમાંથી 25 હજાર, મોરબી શહેરમાંથી 25 હજાર, સુરેન્દ્રનગરના લખતર વઢવાણમાંથી દોઢ લાખ, અમરેલી જિલ્લાના બગસરમાંથી 87,500 જયારે રાજકોટના પાટણવાવમાંથી ધાર્મિક વિધિના નામે સોનાની વીંટી પડાવી લીધી હોવાનું કબુલ્યું હતું. જેઓની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે તથા અન્ય બે સંડોવાયેલ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
0 Comments
Post a Comment