જામજોધપુર ખાતે રૂ. 6.12 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ: નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નશામુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી હાથ ધરી છે - કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

3500 થી વધુ લોક દરબાર યોજી પોલીસે રાજયના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી મુક્ત કર્યા છે - ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી: જામનગર જિલ્લામાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરાઈ: પોલીસ તથા બેંકના સહયોગથી જિલ્લાના 89 લાભાર્થીઓની રૂ. 2.35 કરોડથી વધુની લોન મંજૂર થઈ

જામનગર મોર્નિંગ - જામનગર (ભરતભાઈ ભોગાયતા)

શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગેરકાયદેસર વ્યાજખોરી પ્રવૃત્તિઓ અટકાવવાના પ્રયાસરૂપે જામનગર જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોન ધિરાણ કેમ્પના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રૂપિયા 6,12,75,000 ના ખર્ચે નવનિર્મિત બી કક્ષાના 32 પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોની આર્થિક જરૂરિયાત પૂરી પાડવા જુદી જુદી બેંકો સાથે સંકલન કરી લોકોને મદદરૂપ થઈ પોલીસ પ્રજાનો મિત્ર છે તે વિભાવના ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે તેમજ ડ્રગ્સ માફીઆઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ હાથ ધરી નશાકારક દ્રવ્યો ગુજરાતમાં પહોંચાડવાના નેટવર્કને તોડી સમાજને નાશમુક્ત બનાવવાની દિશામાં ગુજરાત પોલીસે નક્કર કામગીરી કરી છે.

આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ વ્યાજના દૂષણને ડામવાની શરૂઆત કરી.ગુજરાત પોલીસે રાજ્યમાં 3500 થી વધુ લોક દરબાર યોજી એક હજારથી વધુ વ્યાજખોરોને જેલ હવાલે કર્યા અને હજારો કેસમાં પોલીસની મધ્યસ્થીના કારણે વ્યાજખોરોએ સમાધાનકારી વલણ અપનાવું પડ્યું. આમ ગુજરાતના હજારો પરિવારોને વ્યાજના દુષણમાંથી પોલીસે મુક્ત કર્યા છે. જામનગર જિલ્લામાં પણ વ્યાજખોરોથી પીડાતા લોકોની વ્હારે આવી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. જામનગર જિલ્લામાં આજ દિન સુધીમાં 141 લોક દરબાર યોજી વ્યાજખોરો વિરુદ્ધ કુલ 37 ગુના દાખલ કરી 69 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાંના 25 આરોપીઓ હાલ જેલ હવાલે છે ઉપરાંત અનેક કેસો ઇન્કમટેક્સ વિભાગ, ઇ.ડી. તથા જિલ્લા રજિસ્ટ્રારને જાણ કરી જિલ્લા પોલીસ દ્વારા એક અનેરી પહેલ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં નાગરિકો વ્યાજના  વિષચક્રમાં ન ફસાય તે હેતુથી બેંકના માધ્યમથી લોન અપાવવાનું ઉમદા કામ હાથ ધરાયું છે જે અન્વયે 89 લાભાર્થીઓની રૂ. 2,35,57,400 ની લોન પોલીસ તથા બેંકના સહયોગથી મંજૂર થઈ છે.

પોલીસ જવાનને સુવિધા યુક્ત આવાસ મળે તેમજ નિશ્ચિત થઈ પોલીસ ફરજ બજાવી શકે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અન્વયે જામજોધપુર ખાતે રૂ.6,12,75,000 ના ખર્ચે બી કક્ષાના 32 આવાસોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ આગામી સમયમાં શંકર ટેકરી વિસ્તાર તથા જોડીયા ખાતે પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું તેમજ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે સ્વાગત પ્રવચન વડે સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભાર વિધિ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કરાઈ હતી.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી,  મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા તથા બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો તથા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.