મોટા વડાળા ગામમાં પતિ-પત્ની પર શખ્સ દ્વારા છરી વડે હુમલો
જામનગર મોર્નિંગ - જામનગર જામનગર શહેરમાં ચેટીચાંદ પર્વની ઉજવણીમાં સિંધી સમાજના યુવાનો વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલી બાદ બે યુવાનોને સમાધાન માટે બોલાવી માર મારતાં સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જયારે કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા દેવપૂજક દંપતી પર એક શખ્સે વાહન સાઈડમાં રાખવા જેવી સામાન્ય બાબતે છરી વડે હુમલો કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણીને લઈને સિંધી સમાજ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી જે બાઈક રેલીમાં બે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી અને સમાધાન માટે બોલાવાયા પછી એક યુવાન પર હુમલો કરાયો હતો જે અંગે બે શખ્સો સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 64માં રહેતા રાકેશભાઈ દિલીપભાઈ માધવાણી નામના યુવાને પોતાના પર તેમજ પોતાના ભાઈ નરેન્દ્ર ઉર્ફે રવિ પર હુમલો કરવા અંગે મનીષ સામયાણી અને ટીકાભાઈ સામયાણી સામે ફરિયાદ નોંધાવી છે. ચેટીચાંદ પર્વની ઉજવણી નિમિતે બાઈક રેલી સાથેની શોભાયાત્રામાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યારબાદ સમાધાન માટે દુકાને બોલાવ્યા પછી ફરિયાદીને ગાળો આપતા ઘરે પરત ચાલ્યા ગયા હોય બાદમાં હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.
જયારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા રેખાબેન મેરૂભાઈ સાડમીયા નામની પરણિતાએ પોતાના પર તેમજ પતિ પર છરી વડે હુમલો કરવા સબબ મોટા વડાળા ગામમાં રહેતા સાહિલ ગફારભાઈ પીંજારા સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રેખાબેનના પતિ મેરૂભાઈએ પોતાનાં ઘર નજીક મોટરસાયકલ રોડને અડીને પાર્ક કર્યું હતું દરમિયાન સાહિલ પોતાનું વાહન લઈને ત્યાંથી પસાર થયો હતો ત્યારે મોટરસાયકલ સાઈડમાં રાખવાના પ્રશ્ને દંપતી સાથે ઝગડો કરી છરી વડે હુમલો કરી દીધાનું જાહેર થયું છે. પોલીસે સાહિલને પકડવાની કામગીરી હાથ ધરી છે.
0 Comments
Post a Comment