જગત મંદિરમાં મનાવાયો રંગોત્સવ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
દ્વારકાધીશ ભગવાનના દર્શને આવતા હજારો પદયાત્રીઓ સાથે મંદિર પરિસરમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો.
તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે શૃંગાર આરતી અને સાંજે સંધ્યા આરતીમાં ભગવાનના દર્શને આવતા ભક્તો સાથે રંગો ઉડાડીને રંગોત્સવ મનાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશ ગેરિયાના ભાવથી ભક્તો સાથે રંગે રમે છે. અને વ્રજમાં હોળી રમવાનો ભાવ પ્રગટ થાય છે.
તમામ ભક્તોને પૂજારી દ્વારા રંગો ઉડાડીને રંગોથી ભરવામાં આવે છે. આ સિલસિલો ફૂલડોલ ઉત્સવ સુધી ચાલુ રાખવાની પરંપરા છે. આરતી દરમ્યાન ઢોલ-નગારાના તાલે રંગે ચંગે ભાવીકો કલરથી રંગાઈને ધન્યતા અનુભવે છે.
દ્વારકાધીશ મંદિર સાથે સમગ્ર દ્વારકા પંથકના જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, ચાર પી.આઈ. અને 21 પી.એસ.આઈ., એસ.આર.પી., હોમગાર્ડ વિગેરે મળીને 1500 જેટલા જવાનો ખડેપગે રાખવામાં આવ્યા હતા. દરેક રસ્તાઓ પર ટ્રાફિક પોઇન્ટ સાથે અનેક રોડ રસ્તાઓને વેન-વે કરીને વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
મંદિરની અંદર અને બહાર બેરીકેટીંગ તથા સીસી કેમેરા સહીત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. છેલ્લા દિવસોમાં દ્વારકામાં પદયાત્રીઓની સંખ્યા વધતી રહેતી હોય, સમગ્ર દ્વારકા શહેરમાં જાણે માનવ કીડિયારું ઉભરાયું હતુ.
આ વખતે હોળી 6 તારીખે અને ધુળેટી 8 તારીખે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ બે વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન ઉજવાયો હતો. ભગવાનને છેલ્લા સાત દિવસોથી સફેદ વાઘાના શૃંગાર થતા હોય, ત્યારે આજે ફૂલડોલના દિવસે ચાંદીની પિચકારીમાં કેસૂડાંના ફૂલનું પાણી અને અબીલ ગુલાલની છોળો ખેલૈયા સાથે ભગવાન અને પુજારીઓ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો હતો.
રાજ્યના મોટા ભાગના મંદિરોમાં 8 તારીખે પંચાંગ મુજબ ઊંઘ્યાત તિથિએ નક્ષત્ર મુજબ રંગોત્સવ એટલે કે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો.
દ્વારકામાં ઉડે રે ગુલાલ... ના ગીતો સાથે ગલી-ગલીમાં શ્રદ્ધાળુઓના સમૂહ ફાગણી પૂનમ અને ફૂલડોલ ઉત્સવમાં કુલ આશરે પાંચ લાખથી વધુ લોકો ધન્યતા અનુભવતા પોતાની પદયાત્રા પૂર્ણ કરી ભાવિકો રમ્યા રંગે કાના સંગ.
જગત મંદિરમાં આજે ફુલડોલ ઉત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. અબીલ ગુલાલની છોળો વચ્ચે પૂજારીઓ અને ભાવિકો વચ્ચે ગુલાલની રમઝટ બોલી હતી.
દ્વારકા જગત મંદિરમાં આજે ફૂલડોલ ઉત્સવની પરંપરા મુજબ ઉજવણી કરાઈ હતી. ભાવિકો, સ્થાનિકો, પદયાત્રીઓ અને પૂજારી પરિવાર દ્વારા મંદિર પરિસરમા રંગોની હોળી ખેલી હતી. બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી સાથે જ ભગવાન દ્વારકાઘીશ મંદિરમાં ઢોલ-નગારા સાથે ભગવાનની બંને બાજુઓ પર રંગોની પોટલી અને ચાંદીની પિચકારી ધરાવવામાં આવી હતી. ભક્તો જાણે કે ભગવાન સાથે રંગે રમ્યાંનો ભાવ તમામ ભાવિકોમાં નજરે ચડ્યો હતો. દ્વારકાધીશ જગત મંદિરનું પ્રાંટગણ આજે અબીલ ગુલાલની છોળોથી ભરાઇ ગયું હતું. ભાવિકો, પ્રવાસીઓ, સહેલાણીઓએ આજે રંગે રમીને ફૂલડોલ દર્શનનો અલભ્ય લાભ લીધો હતો. તેમાં પણ દ્વારકાવાસીઓ આજે જગત મંદિરમાં રંગે રમીને ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી, સાથે પોલીસ અને સુરક્ષા કર્મીઓ પણ રંગે રમ્યાં હતા. ડયુટી સાથે ભક્તિના માહોલમાં રમી તેઓએ ફરજ નિભાવી હતી અને સૌ કોઈ મન મુકીને કાળીયા ઠાકોર સંગ રંગે રંગાયા હતા.
આ ઉત્સવમાં દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતીશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, પ્રાંત અધીકારી પાર્થ તલસાણીયા, મામલતદાર વિક્રમભાઈ વરૂએ પણ સાથે જોડાઇને ભક્તો સંગ ફુલડોલ રમ્યા હતા.
ફુલડોલ ઉત્સવ પુર્ણ થયે દ્વારકા જગત મંદિરના ડીવાયએસપી સમીર સારડાએ જગતમંદિર દેવસ્થાન સમિતિના કર્મચારીઓ, પુજારી પરિવાર, સ્વયંસેવકો તથા સતત ખડે પગે તૈનાત તમામ પોલીસ સ્ટાફના કાર્યને લોકોએ બિરદાવ્યું હતું.
0 Comments
Post a Comment