જામજોધપુર માર્કેટીંગ યાર્ડ પાસેથી ધોળેદિવસે રૂ. 20 લાખની લૂંટ
અજાણ્યા બે બાઈક ચાલક સીસીટીવીમાં નજરે ચડ્યા: પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી
જામનગર મોર્નિંગ - જામનગર
જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે આજે બપોરના સમયે બાઈક પર જતા વેપારી યુવાન પાસેથી આશરે 20 લાખની રોકડ ભરેલો થેલો બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આવીને લાખોની રોકડ ભરેલા થેલાની દિલધડક લૂંટ ચલાવી નાશી ગયા હતા. ધોળે દિવસે લાખોની લૂંટના બનાવથી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી જઈ નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગત મુજબ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ ખાતે આજે બપોરના સમયે મૌલિકભાઈ હિંગરાજીયા નામના વેપારી યુવાન આશરે 20 લાખની રોકડ ભરેલો થેલો લઈને બાઈક પર જતા હતા તે દરમિયાન યાર્ડના ગેઇટ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીની બાઈકની બાજુમાં આવી પલકવારમાં રૂ. 20 લાખની રોકડ ભરેલા થેલાની ધોળે દિવસે લૂંટ ચલાવી નાશી ગયા હતા. ભરચક એવા માર્કેટીંગ યાર્ડના ગેઇટ પાસેથી થયેલી લૂંટના બનાવના કારણે વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટનો ભોગ બનેલા વેપારીની પુછપરછ આરંભી અને લૂંટારુના વર્ણનના આધારે ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉપરાંત જિલ્લામાં નાકાબંધી કરી લુટારુઓનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે.
ધોળેદિવસે થયેલી લાખોની લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાઈક પર જતા વેપારી યુવાન પાસે રહેલા લાખોના થેલાની લૂંટ ચલાવી બે બાઇકસવારો નાશી ગયા હતા. આ સીસીટીવી ફુટેજમાં નજરે પડતી બાઇકના આધારે પોલીસને બંને લૂંટારુ બાઇકસવારોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
0 Comments
Post a Comment