ખંભાળિયામાં શ્રીરામના જયઘોષ સાથે વિશાળ બાઈક રેલી નીકળી

જામનગર મોર્નિંગ - ખંભાળિયા  (કુંજન રાડિયા) 


ખંભાળિયામાં રામનવમી પૂર્વે અહીંની હિન્દુ સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે વિશાળ બાઇક રેલી તથા પ્રખર હિન્દવાદી વક્તા કાજલ હિંદુસ્થાનીના વક્તવ્યનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હિંદુ પ્રેમી જનતા ઉમટી પડી હતી.

દેશના હિન્દુવાદી વક્તા અને ધર્મ રક્ષક કાજલ હિંદુસ્થાનીનું ખંભાળિયા શહેરમાં આગમન થયું હતું. તે પૂર્વે અત્રે જામનગર હાઈવે પર મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ અહીંના મિલન ચાર રસ્તા પાસેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે યોજવામાં આવેલા આ ધર્મકાર્યમાં યોજાયેલી બાઈક રેલી અહીંના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, શારદા સિનેમા રોડ સહિતના રાજ માર્ગો પર ફરી, સાંજે અહીંના મ્યુનિસિપલ ગાર્ડન ખાતે સંપન્ન થઈ હતી. જ્યાં આ રેલી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.

આ રેલી સાથે રામ, લક્ષ્મણ, જાનકી, બજરંગ બલી સહિતના રામ દરબારના પરિવેશ ધારણ કરી કલાકારો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધર્મમય બની રહ્યું હતું. જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં કેસરિયા ધ્વજ લહેરાવી હિન્દુ યુવાનો કાર્યકરો આગેવાનો હોંશભેર આ આયોજનમાં જોડાયા હતા.

વિધર્મીઓની વધતી જતી પ્રવૃત્તિઓ સામે હિન્દુજન સાવચેત બને: કાજલબેન

અહીંના મ્યુનિસિપલ ગાર્ડન ખાતેના વિશાળ ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા જાહેર વક્તવ્યના કાર્યક્રમમાં કાજલબેન હિંદુસ્થાની (શિંગાળા)એ તેમના ચોટદાર વક્તવ્યમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મુસ્લિમો દ્વારા વધતા જતા જમીન દબાણ તેમજ લવ જેહાદ ઉપરાંત તરુણીઓ, યુવતીઓ અને મહિલાઓને યેન-કેન રીતે ફસાવવાના કાવતરા સામે સૌ હિંદુ પરિવારોને સાવચેત રહેવું અનિવાર્ય બની રહ્યું છે.

ખાસ કરીને હિન્દુ યુવતીઓએ વર્તમાન સમયમાં નીડરતાથી સામનો કરી, વિધર્મીઓની કોઈપણ વાતથી પ્રભાવિત ન થઈ હિન્દુ ધર્મ તેમજ સંસ્કૃતિ પ્રત્યે જાગૃત અને મક્કમતાથી વળગી રહેવા તેમણે અનુરોધ કર્યો હતો. ખંભાળિયામાં વિધર્મીઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવેલા દબાણો અંગે પણ તેઓએ ચોટદાર વક્તવ્યમાં નગરજનોને સાવચેત રહી, હિન્દુવાદી પગલાં લેવા માટે અપીલ કરી હતી. સાથે સાથે દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા તથા હર્ષદ વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનની પણ તેમણે સરાહના કરી હતી.

આ ધાર્મિક કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કિરણબેન સરપદડીયા, વિજયભાઈ કટારીયા, મિલનભાઈ વારીયા, દેશુરભાઈ ધમા, મીત સવજાણી, અજય નરા, પ્રવિણસિંહ કંચવા, પપ્પુભાઈ જોશી, વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર, રવિરાજસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા. અહીં વિવિધ હિન્દુ સંગઠનોએ કાજલબેનને સન્માનિત કર્યા હતા.