જામનગર મોર્નિંગ - જામનગર
છોટીકાશી ગણાતા જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ તથા મહાદેવહર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રામનવમી મહાપર્વ નિમિત્તે પરંપરાગતરીતે દર વર્ષે યોજાતી રામસવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં ભગવાન શ્રી રામની આજે 42મી સવારી બાલા હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવી હતી. સવારીના પ્રારંભ પહેલા બાલાહનુમાન મંદિર પર ભગવાન રામ-લક્ષ્મણ અને જાનકીની પૂજા કરવામાં આવી હતી. યાત્રાના પ્રારંભ સમયે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત ભાજપ-કૉંગ્રેસના આગેવાનો જોડાયા હતા.
તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરેથી પ્રારંભ થઇ અને હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ અને પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રિના પૂર્ણ થઇ હતી. સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર હજારોની સંખ્યામાં નગરજનોએ ભગવાનશ્રી રામ લક્ષ્મણ જાનકીજીની પાલખીના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી હતી. શોભાયાત્રા દરમ્યાન વિવિધ સંસ્થાઓ દ્વારા 32 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા. ઉપરાંત રામ ભકતો દ્વારા વિવિધ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો સાથે રામધૂનના નારા ગજવતાં સમગ્ર શહેર ''રામમય'' બન્યું હતું.
બાલા હનુમાન મંદિરના પૂજારી ઉપરાંત મંદિરના ટ્રસ્ટી ગણના જીતુભાઇ લાલ, વિનુભાઇ તન્ના, રમેશભાઇ જોશી વિગેરે પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું, આ વેળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, મેયર બીનાબેન કોઠારી , સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, પૂર્વ મેયર પ્ર્રતિભાબેન કનખરા, વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ, શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા તેમજ કોર્પોરેટરો, આગેવાનો, મહાનુભવો વગેરે હાજર રહ્યા અને રામસવારીને પ્રસ્થાન કરાવ્યું હતું.
શોભાયાત્રાનું માર્ગ પર રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ પ્રસાદ, આઇસ્ક્રીમ અને સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 42મી રામસવારીના અનન્ય આકર્ષણો હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી 42મી રામસવારીમાં આ વખતે અનેક વિવિધ આકર્ષણો ઉભા કરાયા હતા. જેમાં ખાસ કરીને જામનગર શહેરની સંસ્થા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીરામ - લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સાથેનો એક સુંદર અને ભવ્ય આકર્ષીત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો.
મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસની રાહબરી હેઠળ રંગેબરંગી લાઇટ સાથેનો ભવ્ય રથ તૈયાર કરાયો છે અને ભગવાન રામ લક્ષમણ જાનકીની પ્રતિમાને બીરાજમાન કરીને સમગ્ર રથને ભગવા ધ્વજથી સ્જજ બનાવી દેવામાં આવશે. ઉપરાંત રથની આગળ વિશાળ કદના ભગવા ધ્વજ સાથે 42 તરવરીયા યુવાનોને જોડવામાં આવ્યા છે. જે ભગવા ધ્વજ ફરકાવીને ભગવાનના રથની આગળ સંચાલનમાં જોડાયા હતા.
રામ સવારીમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ વિશિષ્ટ ચાંદીની ગદા ઉપાડીને જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
આ ઉપરાંત શોભાયાત્રામાં બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટેના વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જામનગરની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની મહિલા પાંખ દુર્ગાવાહિનીના 42 જેટલા બહેનો સફેદ વસ્ત્રો સાથેની વેશભૂષામાં રામસવારીમાં જોડાશે. દુર્ગાવાહીનીના બહેનો સ્વાગત કર્યું હતું.
જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ની 42 જેટલા બહેનો પણ માથામાં રંગબેરંગી સાફા ધારણ કરી લાલ સાડીમાં સજ્જ બનીને હાથમાં ભગવા ધ્વજ સાથે જોડાશે. ઉપરાંત ભગવાન શ્રીરામની ધુન સાથે રાસની રમઝટ બોલાવી જેઓની સાથે ભાઇઓ પણ એક સરખા ટી-શર્ટમાં સજ્જ બનીને રામધુન સાથે રાસની રમઝટ બોલાવી હતી. રાત્રે બાર વાગ્યે પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રાપહોંચી હતી અને ત્યાં શ્રી લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.
0 Comments
Post a Comment