જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા) 


રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજરોજ બેટ દ્વારકાની મુલાકાતે આવનાર છે. તેઓ ઓખા ખાતે અથવા બેટ દ્વારકામાં હેલિકોપ્ટર મારફતે ઉતરાણ કરી બેટ દ્વારકા જશે. બાદમાં યાત્રાધામ હર્ષદ માતાજી મંદિરની પણ મુલાકાતે જશે તેવું બિનસત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.    

તાજેતરમાં બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા બંદર, ભોગાત બંદર વિગેરે દરિયાઈ પટ્ટી ઉપર આવેલ સંવેદનશીલ દબાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્રએ રાજ્ય સરકારની સૂચનાથી દૂર કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ આ બંને નેતાઓની બેટ દ્વારકા આજની મુલાકાત અતિસૂચક ગણવામાં આવી રહી છે. અને બેટ દ્વારકા ખાતેથી કોઈ નવી જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા થાય એવું માનવામાં આવી રહ્યું છે.     


 

અત્રે એ પણ નોંધનીય છે કે બેટ દ્વારકાના વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 136 કરોડ બજેટમાં મંજૂર કર્યા છે. અહીં આશરે રૂ. 1,000 કરોડના ખર્ચે બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ સંપૂર્ણપણે તૈયાર થવાના આખરી ઓપમાં છે. ત્યારે આગામી સમયમાં આ બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી પણ પુરી સંભાવનાઓ પણ છે. આમ, અનેક મુદ્દાઓ લઈને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી આજે બેટ દ્વારકા આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.