જામનગર મોર્નિંગ - જામનગર 

શ્રી બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખ, આર્યસમાજ – જામનગરના પ્રમુખ અને ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રીના પિતાશ્રી અને ચુસ્ત આર્યસમાજીસ્ટ અને આજીવન સામાજીક કાર્યકર તેમજ શિક્ષણપ્રેમી તેમજ કન્યા કેળવણીના હિમાયતી એવા શ્રી જયંતીભાઈ ઠક્કરનુ ફાગણ સુદ પુનમ ના રોજ ૩૩ વર્ષ પહેલા નિધન થતા સમગ્ર આર્યજગતને ન પુરાય તેવી ખોટ પડી.

તા. ૨૧-૧૦-૧૯૨૩નાં રોજ જન્મેલા શ્રી જયંતીભાઈ માત્ર ૧૦ વર્ષેની કિશોર અવસ્થાથી આર્યસમાજની વ્યાયામ પ્રવૃતિથી આકર્ષાઈ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃતિમાં આજીવન જોડાઈ સમસ્ત ગુજરાતના આર્યસમાજીસ્ટોમાં અગ્રગણ્ય વ્યક્તિ તરીકે પ્રતિભા ઉપસાવી શક્યા હતા. 

૧૯૪૭માં જામનગર આર્યસમાજ દ્વારા શહેરની કન્યાઓને કેળવણી આપવાના હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયનાં પ્રારંભ, વિકાસ અને વિસ્તૃતીકરણના ૪૧ વર્ષ સુધી મશાલચી તરીકે તેઓએ અંતધડી સુધી ફરજ બજાવેલ.

જામનગરના વિશ્વ વિખ્યાત આદર્શ સ્મશાનનાં પ્રણેતા આજીવન સમાજ સેવક સ્વર્ગસ્થ શ્રી ગોકલદાસ હિરજી ઠક્કરના તેઓ જ્યેષ્ઠ પુત્ર હતા અને સમાજ સેવક મહાવીર દળ અને સ્મશાન વ્યવસ્થા સમિતિના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવાઓ આપી.

જામનગરની નવાનગર હાઇસ્કુલમાં તેઓએ શિક્ષણ મેળવ્યું હતું અને શાળાજીવન દરમ્યાન ખાદી પહેરવાની મનાઈ હોવા છતા ચુસ્ત ગાંધીવાદી અને સ્વદેશીનાં હિમાયતી પિતાને અનુસરીને તેઓ પણ ખાદી પહેરતા હતા અને ખાદી પહેરવા માટે તેમને શાળામાં શિક્ષા પણ સહન કરવી પડી હતી.

ખાદી પહેરવાને કારણે તેમણે દેશી રાજ્યોનો ખોફ પણ વહોરવો પડ્યો હતો અને ૧૯૪૨ની આઝાદની લડત વખતે તેમને લાઠી માર પણ સહન કર્યો હતો.

૧૯૩૩માં યુવાનોને સશક્ત બનાવવા માટે જામનગરમાં સ્થપાયેલી શ્રી વિશ્વનાથ વ્યાયામ પ્રચારક મંડળમાં તેઓ પોતાના નબળા શરીરને સુદ્રઢ બનાવવા માટે જોડાયા અને ખદ કરીને તેઓ હિન્દી કુસ્તીમાં વિશેષ રસ લેતા અને કુસ્તી વીર તરીકે રૌપ્ય ચંદ્રક પણ પ્રાપ્ત કર્યો હતો. આ સમય દરમ્યાન જામનગર આર્યસમાજનું હાલનું મકાન જ્યાં આવેલ છે ત્યાં યુવાનો માટે વ્યાયામ શાળા શરૂ કરવામાં આવેલ ત્યાં પણ નિયમિત જતા અને ત્યાં નિયમિત ચાલતી પ્રાત:કાળ સંધ્યા અને યજ્ઞ તરફ આકર્ષાયા અને કુટુંબનાં આર્યસમાજના સંસ્કારોને લીધે પોતે પણ યજ્ઞમાં ભાગ લેતા થયા અને આર્યસમાજના સંસ્કારોથી દિક્ષીત થયા. જીવનના અંત સુધી તેઓ આર્યસમાજ અને વિશ્વનાથ વ્યાયમ પ્રચારક મંડળ સાથે જોડાયેલા રહ્યા.

 સતત ૫૫ વર્ષ સુધી આર્યસમાજનાં કાર્યમાં રહીને તેમણે શ્રીબૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, ગુજરાત પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભા, આર્યકુમાર મહાસભા વડોદરા અને વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળ તેમજ શ્રી ચન્દ્ર દિગ્વીજય વેદ જ્ઞાન પ્રચાર ટ્રસ્ટ, ખરેડી સાથે તેઓ ટ્રસ્ટી તેમજ વિવિધ પદો પર રહીને અવિરત સેવાઓ આપી હતી. તેઓએ વિશ્વના આર્યસમાજોનુ સંગઠન ધરાવતી સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના કારોબારી સભ્ય તરીકે પણ સેવાઓ આપેલ હતી.

૧૯૪૭ના વર્ષમાં રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાનું કેન્દ્ર જામનગરમાં સ્થાપી રાષ્ટ્રભાષા પ્રચારકાર્યને આગળ વધારવા સક્રિય રહેલ. તેમજ જામનગર જિલ્લા અને રાજ્ય રમતગમત પ્રવૃત્તિમાં પણ તેઓનું યોગદાન ઘણું જ રહ્યું હતું.

જામનગરની જનતાને રાષ્ટ્રીય સાહિત્ય વાંચવા મળે એ ક્રાંતિકારી વાંચન દ્વારા જનતા આઝાદીની ભાવનાને જીવંત રાખે એ હેતુથી પિતાએ સ્થાપેલ પ્રકાશ સ્ટોરમાં સાહિત્ય વિક્રેતાની પ્રવૃત્તિમાં જોડાયા.

૧૯૭૫ના વર્ષમાં તેમણે વૈદિક સાહિત્ય દ્વારા આર્ય વિચારધારાના પ્રચાર માધ્યમથી વિશ્વને આર્ય સુસંસ્કારી બનાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખીને વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળની પણ સ્થાપના કરેલ.

મુફ્ત શિક્ષણને અવરોધવા માટે રાજકીય પાસાઓ ફેકતા રાજકારણીઓ તરફથી ખાનગી ક્ષેત્રમા ચલાવતી શિક્ષણ સંસ્થાઓનાં વહીવટકર્તાઓની મુશ્કેલીઓ નિવારવા માટે તેમણે જામનગર જિલ્લા માધ્યમિક શાળા સંચાલન મંડળની સ્થાપના કરી મંત્રી પડે રહી શિક્ષણના મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શન બની રહ્યા હતા.

શ્રી જયંતીભાઈ ઠક્કરના નિધનથી કેટલીયે સામાજીક સંસ્થાઓને તેમજ આર્ય અને હિન્દુ સમાજે શ્રેષ્ઠ ગુમાવેલ હતો. 

આજે તેમને પુણ્યતિથીએ શત: શત: વંદન.