ડ્રગ્સ પ્રકરણના આરોપીનું વિશાળ દબાણ પણ દૂર કરાયું

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


કલ્યાણપુર તાલુકાના નાવદ્રા વિસ્તારમાં ગઈકાલે બુધવારે શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી આજે બીજા દિવસમાં પ્રવેશી છે. અહીં ડ્રગ્સ પ્રકરણના એક આરોપીના બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.

કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ સ્ટાફ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરીના પ્રથમ દિવસે નાવદ્રામાં રહેતા અનવર મુસા પટેલિયા નામના રૂ. 100 કરોડના ડ્રગ્સ પ્રકરણના એક આરોપીના અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા આશરે સાતથી આઠ હજાર ફૂટ જેટલા બંગલા સહિતના બાંધકામ પર પોલીસ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું.

નાવદ્રા ખાતે ગઈકાલે બુધવારે શરૂ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી પૂર્વે તંત્ર દ્વારા 125 જેટલા આસામીઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ અહીંના 73 રહેણાંક, 24 વ્યાપારિક એકમો તેમજ 2 ધાર્મિક સ્થળો મળી કુલ 98 જગ્યા પર કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 2.25 લાખ ચોરસ ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત આશરે 90.23 લાખ જેટલી ગણવામાં આવી છે. નાવદ્રા વિસ્તારમાં ડિમોલિશનની અધૂરી રહેલી કામગીરી આજે સવારથી પુનઃ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરીના પ્રથમ ચરણમાં બેટ દ્વારકા ખાતે ડ્રગ્સ પ્રકરણના એક આરોપીના અનઅધિકૃત દબાણને ધ્વસ્ત કરાયા બાદ ગઈકાલે બુધવારે નાવદ્રા ખાતે પણ એનડીપીએસના એક આરોપી દ્વારા કરવામાં આવેલું દબાણ તંત્રએ તોડી પાડ્યું છે.

નાવદ્રા સહિતના વિસ્તારોમાં કોઈ અન્ય બનાવ ન બને તે માટે અહીંના ડી.વાય.એસ.પી. સમીર સારડા, હાર્દિક પ્રજાપતિ, કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રિંડાણી, તેમજ એલસીબી અને એસઓજી સહિતના પોલીસ કાફલાએ જરૂરી વ્યવસ્થા હાથ ધરી છે.