- દર વર્ષે આવતી બે હજાર કરોડથી વધુની રકમને સાચા હેતુ માટે
- ટોચથી લઈને છેવાડાના વિસ્તાર સુધી મેરીટના આધારે કામો નક્કી થવા જોઈએ
તીરછી નજર - ભરત હુણ
જામનગર મોર્નિંગ - જામનગર તા.01 : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સંયુક્ત વિસ્તાર ને આપણે હાલાર તરીકે ઓળખીયે છીએ. હાલાર વિસ્તારમાં એક મહાનગર પાલિકા, બે જીલ્લા પંચાયત, નવ નગરપાલિકા, 12 તાલુકા પંચાયત અને છસોથી વધુ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ વિસ્તારના વિકાસ માટે, પાયાની સુવિધાઓ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક ભંડોળ માંથી દર વર્ષે આશરે રૂપિયા બે હજાર કરોડ થી વધુ ની રકમ આવે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા ના શહેરી વિસ્તારોમાં તો મોટા ભાગની માળખાગત પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ શહેરી વિસ્તારને છોડતા અનેક ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રોડ-રસ્તા, વીજળી, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની અને મૂળભૂત સુવિધાઓ ખૂટે છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શહેરથી દુર છેવાડાના ગ્રામીણ વિસ્તારો માંથી પસાર થઈએ ત્યારે ખબર પડે કે ઘણા વિસ્તારોમાં હજુ શહેરને જોડતા પાકા સારા રસ્તાઓ નથી. શિક્ષણ અને આરોગ્યની પુરતી સુવિધાઓ નથી. અમે થોડા સમય પહેલા જામનગર થી જામજોધપુર અને ત્યાના ગામડાઓમાં મુલાકાત માટે ગયા હતા. જામજોધપુર થી ધ્રાફા થઈને શીતલા કાલાવડ બાજુ જઈ રહ્યા હતા મોટા ભાગનો રોડ સિંગલ પટ્ટીનો સામેથી કોઈ વાહન આવતું હોય તો આપણે આપણું વાહન અથવા તો સામે વાળા એ વાહન રોડ નીચે ઉતારવું પડે છે. રોજગાર માટે દુર દુર સુધી જવું પડે છે. ઘણા બધા ગામડાઓને પ્રાથમિક સારવાર માટે બીજા ગામ અથવા શહેરમાં જવું પડે છે. અંતરિયાળ ઘણા ગામડાઓના લોકોને શહેર કે તાલુકા મથક જવા માટે વાહન વ્યવહારના અભાવે કિલોમીટર થી વધારે ચાલીને કોઈ મોટા રોડ સુધી જવું પડે છે ત્યાંથી તેમને પબ્લિક વાહન મળે છે.
ત્યારે અહી આ વાત કરવાનો આશય એ છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દર વર્ષે અલગ – અલગ યોજનાઓ અને સ્વભંડોળથી આશરે ૨ હજાર કરોડથી વધુની રકમની આવક અને વપરાસ થતો હોય આ રકમનો આડેધડ વેડફાટ ના થાય કરકસર પૂર્વક આયોજન કરીને રકમને દર વર્ષે વાપરવામાં આવે તો આ વિસ્તાર આવનારા ૨-૫ વર્ષમાં સારા શહેરને ટક્કર મારતો થઇ જાય તેમ છે. પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામોનો સાચો લાભ મળી શકે છે. આડેધડ કામોની પસંદગીના બદલે અધિકારીઓ અને પદાધિકારીઓ એ સાથે મળીને કરકસર પૂર્વકના ટોચથી લઈને છેવાડાના વિસ્તાર સુધી મેરીટના આધારે કામોના આયોજન કરવા જરૂરી છે.
0 Comments
Post a Comment