તમામ પ્રકારની વ્યવસ્થા માટે તંત્ર સુસજ્જ: અશક્ત અને વૃદ્ધોને દર્શન કરાવવા માટે પોલીસ હાજર 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


       આજરોજ હોળીનો તહેવાર સાથે યાત્રાધામ દ્વારકા માટે મુખ્ય દિવાળી પછી આ બીજો મહત્વનો તહેવાર હોવાથી જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા લાખોની સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરીને ભાવવિભોર થયા હતા.

      અત્રે ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટીના તહેવાર મનાવવા દૂર દૂરથી ભક્તો પગપાળા ચાલીને દ્વારકા આવે છે. ત્યારે તેમની સેવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે. ચા, પાણી, નાસ્તો, જમવા તથા આરામ કરવાની પણ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. આ સાથે પદયાત્રી કૃષ્ણ ભક્તો માટે પગ દબાવવાના મશીન, પગની ચંપી તથા મેડિકલ કેમ્પો પણ ધમધમતા થયા છે.

         આજે હોળી તહેવાર નિમિત્તે આશરે ત્રણ લાખ જેટલા ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ દર્શન કરવા માટે ખૂબ મોટી લાઈનો જોવા મળી હતી. પોલીસ, કલેકટર તથા રેવન્યુ સાથે દ્વારકાધીશ મંદિર તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બનવા પામી ન હતી. તેની સાથે પોલીસ તંત્ર દ્વારા અશક્ત બીમાર તથા વૃદ્ધોને અલગ લાઈનથી લઈ જઈ અને દર્શન કરાવવાની ખાસ વ્યવસ્થા આ કૃષ્ણ ભક્તો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ હતી.

      મંદિરના પૂજારી પરિવાર, મંદિર દેવસ્થાન સમિતિ, પોલીસ સહિતના તંત્રએ દ્વારા તમામ સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. જેનો લાભ પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા અનેક લોકોએ લીધો હતો. આજે સાંજથી તિથિ મુજબ પૂનમ હોવાથી આજ રાત્રિના સમયે હોળી પ્રગટાવવામાં આવી હતી. પરંતુ આ પૂનમ આવતીકાલે સાંજે 6:30 વાગ્યે પૂર્ણ થતી હોય, જે લોકો ભક્તો પૂનમ ભરવા આવતા હોય અથવા પૂનમ રહેતા હોય તે લોકો આવતીકાલ તારીખ 7 ના રોજ ઉજવશે. બુધવાર તા. 8 ના રોજ બપોરના 2 થી 3 દરમિયાન ભક્તો જગત મંદિરના નિજ મંદિર અંદર ફુલડોલ ઉત્સવ ઉજવશે.

       આ ફૂલડોલ ઉત્સવ દરમિયાન અબીલ-ગુલાલ ઉડાડીને લાખો ભક્તો કાળીયા ઠાકોર સંગ હોળી રમશે.