રૂ. 1.16 લાખના 17 નંગ મોબાઈલ ફોન કબ્જે: સીટી એ સર્વેલન્સ સ્ટાફની કાર્યવાહી  

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજાર અંદર પરીવાર સાથે ખરીદી અર્થે ગયેલી વિધાર્થીની યુવતિ સહિત જુદાજુદા 8 લોકોનો મોબાઇલ ફોન કોઇ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ શનિવારે સીટી એ ડિવિઝનમાં નોંધાયો હતો જે ગુનામાં સંડોવાયેલ ત્રણ મહિલાને 17 ચોરાઉ મોબાઈલ સાથે સીટી એ ડિવિઝન સ્ટાફે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં એરફોર્સ-1 રોડ નજીક ઢીંચડા પ્લોટ વિસ્તારમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા નેહાબેન ચંદુલાલ હુંબલ નામની વિધાર્થીનીએ પોતાનો તથા અન્ય સાત લોકોના જુદી જુદી કંપનીના રૂ.67 હજારની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી જવા અંગે સીટી એ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ શનિવારે નોંધાવી હતી. 

બાદમાં પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરુણ વસાવા અને સીટી એ ડિવિઝન પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફ જુદી જુદી જગ્યાએ વોચમાં હતો ત્યારે રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી અને રૂષિરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે પ્રદર્શન ગ્રાઉન્ડમાં અંદર નહેરના કાંઠા પાસે ત્રણ મહિલાઓ શંકાસ્પદ હાલતમાં બેઠેલ છે અને તેમની પાસે એક થેલો પડેલ છે. 

બાદમાં પુજાબેન રાજુભાઈ સોલંકી (રહે. ગોંડલ સરકારી હોસ્પિટલ પાસે, હાલ- આજીડેમ ચોકડી, રાજકોટ), ભાવુબેન જય સોલંકી (રહે. ગોંડલ સરકારી દવાખાના પાસે) અને કમુબેન તુલસીભાઇ રાઠોડ (રહે. આજીડેમ, રાજકોટ) નામની ત્રણ મહિલાની અટકાયત કરી ફેસ ટેગર એપ્લિકેશન મારફતે ત્રણેય મહિલાઓના ફોટા પાડી સર્ચ કરી ઈ-ગુજકોપ એપ્લિકેશનમાં ખરાઈ કરી તેના કબ્જામાં રહેલ થેલામાંથી અલગ અલગ કંપનીના આઠ નંગ ફોન કિમંત રૂ. 67,000 મળી આવતા વધુ પુછપરછ હાથ ધરેલ હતી. પુછપરછ દરમિયાન અન્ય નવ મોબાઈલ બીલ આધાર પુરાવા વગરના મળી આવતા કુલ 17 નંગ મોબાઈલ કિમંત રૂ. 1,16,000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, શૈલેષભાઈ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડીયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી અને યોગેન્દ્રસિંહ સોઢા દ્વારા કરવામાં આવી હતી.