26 કલાક બાદ મૃતદેહ સાંપળ્યો: અરેરાટી

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

કલ્યાણપુર તાલુકાના હર્ષદ બંદર ખાતે હોળીના દિને દર્શન કરીને દરિયામાં નાહવા ઉતરેલા પટેલકા ગામના યુવાનનું ડૂબી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દરિયામાંથી લાંબી જહેમત બાદ 26 કલાક પછી તેમનો મૃતદેહ સાંભળ્યો હતો.

આ કરુણ બનાવવાની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા ભરતભાઈ રઘુભાઈ કુબેર નામના 30 વર્ષના અપરણિત યુવાન તેમના કાકા, પિતરાઈ ભાઈ, વિગેરે પરિવારજનો સાથે ગઈકાલે સોમવારે હોળીની રજામાં હર્ષદ ગયા હતા. ત્યાં હર્ષદ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ બપોરે આશરે બે વાગ્યે ભરતભાઈ તથા તેમના પિતરાઈ ભાઈ વિગેરે હર્ષદના દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા.

થોડીવારમાં આ દરિયો તોફાની બનતા બંને ભાઈઓ પાણીમાં તણાવવા લાગ્યા હતા. જેમાં ભરતભાઈનો પિતરાઈ ભાઈ યેનકેન પ્રકારે દરિયાકાંઠે પહોંચવામાં સફળ થયો હતો. પરંતુ ભરતભાઈ કુબેરને દરિયાનું વિકરાળ મોજું પાણીમાં ખેંચી ગયું હતું. આ બનાવ બનતા તેમના પરિવારનો તથા સ્થાનિકો દ્વારા પોરબંદરના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફ તથા સ્થાનિક માછીમારો વિગેરે દ્વારા ભરતભાઈની શોધખોળ હાથ કરવામાં આવી હતી.

લાંબી જહેમત બાદ આજરોજ બપોરે આશરે ચાર વાગ્યે ભરતભાઈનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. હોળીના સપરમા દહાડે બનેલા આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી છે. આ બનાવની જાણ મૃતકના કાકા પ્રતાપભાઈ દ્વારા કલ્યાણપુર પોલીસને કરવામાં આવી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.