મંદિર નજીક પોલીસ અધિકારી - સ્ટાફ રંગે રમ્યો
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
દેશના છેવાડાના અને વિશ્વવિખ્યાત તીર્થક્ષેત્ર દ્વારકામાં બીજા નંબરના સૌથી મોટા પર્વ એવા હોળી - ધુળેટી ઉત્સવમાં પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા તેમજ કામગીરી કાબિલે દાદ બની રહી હતી. આ દિવસોમાં આશરે છ લાખ જેટલા લોકો સમગ્ર દેશમાંથી અહીં આવ્યા હતા. મહત્વની બાબતો એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ આ ફૂલડોલ ઉત્સવ અંગેની સુરક્ષા વ્યવસ્થા માટે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના સ્ટાફને યોગ્ય માર્ગદર્શન તેમજ સ્ટાફની નિષ્ઠા ઉગી નીકળી હતી. દરરોજ અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ તેમજ પદયાત્રીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તે માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા.
આ ફૂલડોલ ઉત્સવ આજરોજ બુધવારે બપોરે વિધિવત રીતે સંપન્ન થયો છે અને અનોસર બાદ મંદિરની સાફ-સફાઈ સહિતની મહત્વની કામગીરી પૂર્ણ થઈ ગયા પછી આજરોજ સાંજે પોલીસ સ્ટાફ તથા જવાનોએ મ્યુઝિક સિસ્ટમ સાથે મંદિર નજીક ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. જેમાં પોલીસ અધિકારીઓ સહિતનો સુરક્ષા સ્ટાફ જોડાયો હતો.
આ હોળી ઉત્સવ દરમિયાન 120 જેટલા વૃદ્ધ તથા બાળકો ગુમ થયા હોવાથી પોલીસે તેઓને શોધી કાઢ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા વૃદ્ધ અને દિવ્યાંગોને દર્શન કરાવવા માટે 180 વ્હીલ ચેર સાથેનો પોલીસ સ્ટાફ ફરજ પર રહ્યો હતો. 35 એટલા કિંમતી ગુમ થયેલા માલસામાનને શોધી કાઢીને મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.
ઐતિહાસિક કહી શકાય તેટલી આશરે સાડા ચાર લાખ જેટલા પદયાત્રીઓ સાથેની કુલ છ લાખ જેટલા યાત્રાળુઓની જનમેદનીએ દર્શન તથા ફુલડોલ ઉત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવી સાથે પોલીસ તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.
પુજારી પરિવાર દ્વારા એસ.પી. નિતીશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા તથા પ્રાંત અધીકારી પાર્થ તલસાણીયાને શાલ ઓઢાડી, સ્મૃતિચીન્હ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
0 Comments
Post a Comment