જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર શહેરમાં નવાગામઘેડ વિસ્તારમાં રહેતો શખ્સ શેરબજારમાં રૂપિયા હારી ગયો હોય અને ક્રેટા કાર તથા ત્રણ મોટરસાયકલની ચોરી આચરી હોય તેને સીટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ રૂ. 13.75 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ત્રણ-ચાર દિવસ પહેલા ક્રેટા કાર તથા મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી, જેને લઈને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય ત્યારે સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફનને ટેકનીકલ એનાલીસીસ તથા ખાનગી બાતમી મળી હતી કે નવાગામ ઘેડ પાસે જાળીવાળા કુવા પાસેથી નવાગામઘેડમાં રહેતો રાજપૂત સમાજની વાડી પાછળ રહેતો કિશન પ્રાગજીભાઈ ઠાકર નામનો શખ્સ ચોરાઉ મોટરસાયકલ જીજે 16 ડીએફ 1369 નંબરનું લઈને નીકળ્યો હોય તેને અટકાવી પૂછપરછ હાથ ધરતા કિશન શેરબજારમાં ચાર-પાંચ લાખ રૂપિયા હારી ગયો હોય અને તેને પૈસાની જરૂરીયાત પડી હોવાથી પોતાનું મોટરસાયકલ રૂ. 50 હજારમાં વહેંચી દેણા વાળાને રૂપિયા ભર્યા હતા.

બાદમાં પોતા પાસે મોટરસાયકલ ન હોવાથી મોટરસાયકલ ચોરી કરવાનું નક્કી કર્યું અને યામાહા કંપનીનું એમટી-15 મોટરસાયકલ ચોરી કરી ફેરવતો હતો. બાદમાં દેણું ભરવું છે તેવું વિચારીને ઓએલએક્સ પર ફોરવહીલ ટેસ્ટ ડ્રાઇવના બહાને કારના માલિક પાસે ચોરાઉ મોટરસાયકલ મૂકી કાર ટેસ્ટ ડ્રાઇવ માટે લઈ જઈ બારોબાર વહેંચી નાખવાનું વિચાર્યું હતું. તે દરમિયાન અંબર હોટલ વાળી ગલીમાંથી જીજે 10 ડીપી 4449 નંબરની એક્સેસ ગાડીની ચોરી કરતા તેની ગાડીમાંથી જીજે 37 એમ 4449 નંબરની કારની ચાવી નીકળતા પંદર દિવસ પહેલા પટેલ કોલોનીમાં કારની તપાસ કરતા તે કારમાં ચાવી લાગી જતા કારની ચોરી કરી લીધી હતી, તેમજ આરોપી કિશને 2022માં જીજે 10 ડીસી 7831 નંબરનું એક્સેસ ચોરી કરી બ્લેક કલર કરાવી વહેંચી માર્યું હોવાની પણ કબૂલાત આપી હતી.

પોલીસે શહેરમાંથી ત્રણ મોટરસાયકલ ચોરી અને એક કાર ચોરીના ગુન્હાને અંજામ આપનાર કિશનને ઝડપી પાડ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. કિશન શેરબજારમાં રૂપિયા હારી ગયો હોય અને દેણું ભરવા માટે ચોરીઓ આચરી હોવાની કબૂલાત આપી હતી.

આ કાર્યવાહી પીઆઈ એચ.પી. ઝાલા, પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફના રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા, સંજયભાઈ પરમાર, બળભદ્રસિંહ જાડેજા, હિતેષભાઇ મકવાણા અને વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.