જામનગર સાયબર ક્રાઇમની કાર્યવાહી: જામનગરના નોકરીયાત યુવાન સાથે આચરી હતી રૂ. 2.03 લાખની ઓનલાઇન છેતરપીંડી

જામનગર મોર્નિંગ - જામનગર  


જામનગરમાં ખાનગી નોકરી કરતા વ્યક્તિ સાથે સોશ્યલ મીડિયામાં ક્રીપ્ટો કરન્સી વેંચવાની ફેક પ્રોફાઈલ બનાવી રૂ. 2.03 લાખની છેતરપીંડી આચરનાર ટોળકીમાંથી સુરતના એક શખ્સને જામનગર સાયબર ક્રાઇમની ટીમે ઝડપી લઈ આ ફ્રોડમાં સંડોવાયેલ અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગરમાં ખાનગી નોકરી કરતા વ્યક્તિને ઇન્સ્ટાગ્રામમાં "BUY USDT IN INDIA CASH" નામની ક્રીપ્ટો કરન્સી વેચવાની ફેક પ્રોફાઈલ બનાવી આરોપીએ સેલર તરીકેની ખોટી ઓળખ ફરિયાદી સાથે ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપમાં ચેટ કરી અને ફરિયાદીના એકાઉન્ટમાં નાની નાની રકમ ઈન્વેસ્ટ કરાવ્યા પછી સામે ક્રીપ્ટો કરન્સી આપતા અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીને "મોટી રકમનું રોકાણ કરો એક સાથે લાભ લો" એવું કહી લાલચ આપી ફરિયાદીના બીજા એકાઉન્ટમાંથી રૂ. 2,03,825ની રકમ મેળવી લેતા ફરિયાદીએ પોતા સાથે છેતરપીંડી થઈ હોવાની જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. બાદમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આઈપીસી કલમ 419, 420 તથા આઇટી એક્ટ કલમ 66(સી), 66(ડી) મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરુણ વસાવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમના પીઆઈ પી.પી. ઝા તથા સ્ટાફ સોશ્યલ મીડિયા દ્વારા થતા ફાઈનાંસીયલ ફ્રોડના ક્રાઇમ જેમ કે ક્રીપ્ટો કરન્સીના વેંચાણના નામે છેતરપીંડી જેવા ગુન્હાઓ અટકાવવા સાયબર ક્રાઇમની ટીમ સતત તપાસ કરતી હોય ત્યારે પ્રણવભાઈ વસરાએ ક્રીપ્ટો કરન્સીના વેંચાણ કરનાર આરોપીના એકાઉન્ટની ડીટેલ મંગાવી તેમજ એટીએમ વિડ્રોલના સીસીટીવી ફૂટેજ મંગાવી તેનું એનાલીસીસ કરતા એકાઉન્ટ ધારક મહેશ વ્રજલાલ મુંગરા (રહે. કામધેનુ સોસાયટી, વેલેનજાગામ, તા. કામરેજ, સુરત) નામના શખ્સને સાયબર ક્રાઈમના પ્રણવભાઈ વસરા, કુલદીપસિંહ જાડેજા, જેશાભાઈ ડાંગર અને વિકીભાઈ ઝાલાએ સુરતથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


આ ગુન્હામાં સંડોવાયેલ મહેશ ફરિયાદીના ફ્રોડથી મેળવેલ નાણાંને બેંક એકાઉન્ટમાં મેળવી અને નાણાંને એટીએમ તથા ચેકથી રૂપિયા વિડ્રોલ કરતો હતો અને પછી કમિશન લઈ અન્ય આરોપીઓના ખાતામાં મોકલાવી આપતો હતો અને આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીઓના કહેવાથી તેમના એકાઉન્ટથી બાઈનાન્સ પ્લેટફોર્મ બનાવેલ એકાઉન્ટમાંથી ક્રીપ્ટો વેંચાણ-ખરીદવાનું કામ કરતો હતો.

આ આરોપીઓ પ્રજાને ઇન્સ્ટાગ્રામ તેમજ ટેલીગ્રામ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટમેન્ટની જાહેરાતો આપી પોતે સેલર હોય તેવી ખોટી ઓળખ આપી ફેક આઈડી બનાવતો હતો અને બાદમાં ઇન્વેસ્ટમેન્ટની ઈચ્છા ધરાવતા ગ્રાહકો સાથે વોટ્સએપ મેસેન્જર દ્વારા વાતો કરતો હતો અને નાની નાની રકમ ઇન્વેસ્ટમેન્ટથી સામે ક્રીપ્ટો કરન્સી આપતો અને પછી મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરો તેવી લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ મોટી રકમનું રોકાણ કરાવી ત્યારબાદ વોટ્સએપમાં બ્લોક કરી ફોન બંધ કરી ઓનલાઇન છેતરપીંડી આચરી પૈસા પડાવી ગુન્હાને અંજામ આપતો હતો.

જામનગર સાયબર ક્રાઇમ દ્વારા પ્રજાને અજાણી વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર ન કરવા અને ક્રીપ્ટો કરન્સી વેંચાણના નામે છેતરપીંડી કરતા ઇસમોથી સાવચેત રહેવા સંદેશ આપવામાં આવ્યો છે.