કહેવાતા પત્રકારે ચોકીદારની નોકરી છોડવા ધમકી આપી હોવાની ફરિયાદ 

જામનગર મોર્નિંગ - જામનગર    

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ચોકીદારી કરતા એક યુવાને કહેવાતા પત્રકારની ધાક ધમકીથી ડરી જઈ જંતુનાશક દવા વાળું લિકવીડ પી લેતા વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, સીટી બી ડિવિઝન પોલીસે ધમકી આપનાર સામે ગુનો નોંધી શોધખોળ હાથ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને રવિ પાર્ક વિસ્તારમાં આવેલા એક મકાનના બાંધકામના સ્થળે ચોકીદારી કરતા અબ્દુલભાઇ સલીમભાઇ જોખીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે મચ્છર મારવાનું પ્રવાહી પી લેતા વિપરીત અસર થવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર જંતુનાશક દવા વાળું પ્રવાહી પી લેનાર અબ્દુલભાઇ જોખીયા કે જેને ગુલાબનગર રવિપાર્ક વિસ્તારમાં જ રહેતા અને પત્રકાર તરીકેની ઓળખ આપતા હાજી શેરમામદ દોદાણી નામના શખ્સે ધમકી આપી હતી, અને તું જે જગ્યાએ બાંધકામની ચોકીદારી કરે છે તેના શેઠ સંજય પ્રજાપતિ બિલ્ડર વિરુધ્ધ મેં જામનગર મહાનગરપાલિકા અને કલેકટર વિભાગમાં અરજીઓ કરી છે અને તારે આ સ્થળે ચોકીદારી કરવાની નથી, તારે નોકરી મૂકી દેવાની છે તેમ કહી ધાક ધમકી આપી હતી. 


જેથી ચોકીદારને મનમાં લાગી આવતા મચ્છર મારવાનું ઓલઆઉટ નામનું પ્રવાહી પી લીધું હોવાનું જાહેર કર્યું હતું જે નિવેદનના આધારે સીટી બી ડિવિઝનના મહિલા પીએસઆઈ એસ.વી. સામાણીએ ફરિયાદીને ધાક ધમકી આપનાર કહેવાતા પત્રકાર હાજી શેરમામદ દોદાણી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.