• સાંજે ૫-૩૦ પછી ફેરીબોટને બેટ-દ્વારકા જવા પર પ્રતિબંધ ફરમાવતા અનેક દર્શનાર્થીઓ દર્શનથી વંચિત 

જામનગર મોર્નિંગ - ઓખા : ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે યાત્રિકોની મુસાફરી માટે પેસેન્જર બોટ ચાલી રહી છે. અને જેનું સંચાલન ઓખા ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ ફેરી બોટ સર્વિસમાં વિવિધ પ્રકારના ચાર્જીસ પણ વસુલવામાં આવે છે. પરંતુ સુવિધા આપવાના અભાવને કારણે બેટ દ્વારકા દર્શન કરવા આવતા યાત્રિકોને મુશ્કેલીની ભોગ બનવુ પડતું હોય છે. આ ઉપરાંત અનેક બેદરકારી દાખવવામાં આવતી હોય છે જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

     જાણવા મળ્યા મુજબ હાલ ઓખા ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા સાંજના ૫-૩૦ વાગ્યા પછી કોઈપણ ફેરીબોટને બેટ-દ્વારકા જવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પરંતુ જે ફેરીબોટ ઓખાથી પેસેન્જર લઈ નીકળી ગઈ હોય તે બોટ ગમે તે સમયે પરત ફરી શકે છે. એવો તઘલખી નિર્ણય કરતા ૫ વાગ્યાના સમયે આવનાર યાત્રિકોએ બેટ-દ્વારકા દર્શન કર્યા વગર જ પરત ફરવું પડે છે. જેના લીધે દૂર દૂરથી આવતા યાત્રિકો દર્શનથી વંચિત રહી જાય છે. 

     જયારે બીજું બાજુ ઓખા જેટી પર છેલ્લા ઘણા સમયથી સિર્યાસ્ત પછી અંધારપટ્ટ થઈ જાય છે. જેના કારણે સૂર્યાસ્ત પછી આવનાર બોટના પેસેન્જરને ઉતરવા સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને વૃદ્ધ લોકો કફોડી પરિસ્થિતિમાં મુકાય જાય છે. જેને લઈ યાત્રિકોમાં ફેંકારો મચી ગયો છે.

    જ્યારે મોરબીમાં જે બ્રિજની દુર્ઘટના બની તે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને અનેક નિયમોની અમલવારી કરાવવાનું શરૂ કરી દીધું હતું. જેમાં સુરક્ષા તંત્ર દ્વારા ઓખા બેટ પેસેન્જર જેટીએ આવી અને લોકોની સુરક્ષા અને સલામતીના પગલાં ભરવા માટે ધામા નાખ્યા હતા. ઓવરલોડ તેમજ કેપેસિટીથી વધારે યાત્રિકો નહિ ભરવા, લાઈફ જેકેટ સાથે રાખવા સહિતના કેટલાક પગલાં ભરવામાં આવ્યા હતા. પરંતુ દિવસો જતા ફરીથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ ઓખા દ્વારા તમામ નિયમોને નેવે મૂકી દીધા હોય તેમ ફરીથી નિયમો ની અવગણના થઈ રહી છે ત્યારે કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ ...??

અહેવાલ - બુધાભા ભાટી, બેટ