• સોમનાથમાં તા.૧૭ એપ્રિલના રોજ યોજાનાર કાર્યક્રમ અંતર્ગત સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા લોકોને મહેમાન તરીકે આવકારવા સૌરાષ્ટ્રમાં ઉત્સાહ


  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે ભારત વર્ષના પૂર્વ થી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણના સાંસ્કૃતિક અનુબંધો ઉજાગર થઈ રહ્યા છેતા. ૧૭ એપ્રિલ, ૨૦૨૩થી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે. તા.૧૭ થી ૩૦ એપ્રિલ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના વતની અને તમિલનાડુમાં સદીઓથી સ્થાયી થયેલા લોકો સોમનાથ ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ મહેમાન તરીકે પધારવાના છે.જે અંગે આજે પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્વની માહિતી આપી હતી.

કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર, સૌરાષ્ટ્ર યુનવર્સિટીના કુલપતિ ગીરીશભાઈ ભીમાણી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરની કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.

જેમાં મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૭ એપ્રિલ થી તા.૩૦ એપ્રિલ દરમ્યાન એક અભૂતપૂર્વ કાર્યક્રમ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર યોજાનાર છે. એ કાર્યક્રમ એટલે -“સૌરાષ્ટ્ર તમિલ સંગમ”. એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરતા અદભૂત અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે.

સદીઓ પહેલા ઇ.સ. ૧૦૨૪માં જ્યારે મોહમ્મદ ગઝની અને ત્યારબાદ અલ્લાઉદ્દીન ખીલજી જેવા આક્રામણખોરોએ સોમનાથ પર કરેલા આક્રમણોના કારણે સોમનાથ-પ્રભાસપાટણની આજુબાજુના અનેક લોકો સ્થળાંતર કરી, ખંભાત બંદરે તથા ભરૂચ થઇ હિજરત કરી અને વાયા મહારાષ્ટ્ર થઇ વિજયનગર સામ્રાજ્યના આમંત્રણ થી વિજયનગર માં આશરો લીધો.

આ હિજરત વિશ્વના ઇતિહાસની સૌથી મોટી હિજરતો પૈકીની એક હતી. થોડી સદીઓ સુધી વિજયનગર સામ્રાજ્યમાં આશરો લીધા પછી વિજયનગર સામ્રાજ્યનું પતન થયુ. આ સમુદાય સાડી વણાટ કામ તેમજ અન્ય હસ્તકલાઓમાં ખૂબ જ કૌશલ્ય ધરાવતો હતો. આ સમુદાયને મદુરાઈના તત્કાલીન મહારાજાએ તેઓની આ કલા ને પીછાણી અને તેઓને ખાસ આશરો આપી રાજ્યાશ્રય આપ્યો અને આમ ઇ.સ. ૧૫૦૦ આસપાસની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી છે.

ઉલ્લેખનીય છે કે લગભગ ૧000 કરતા વધારે વર્ષના લાંબા ગાળા છતાં આજે તામિલનાડુ રાજ્યમાં મદુરાઈ, કુમ્બકોનમ, ત્રીચીનાપલ્લી, સાલેમ, તન્જાવૂર્, પરમકુન્ડી સહિત ૪૬ થી વધારે શહેરોમાં તેમજ અંતરિયાળ ગામડાઓમાં વસવાટ કરતા ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમ જ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા તથા વારસાને અકબંધ રાખી તમિલનાડુના જન જીવનમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ અને વિકાસની પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહેલ છે. તેઓ સૌરાષ્ટ્રીયન તમીલ તરીકે આજે પણ આગવી ઓળખ ધરાવે છે તથા દૂધમાં સાકરની જેમ તેઓ ભળી ગયા છે.

આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત રાજ્ય તથા માદરે વતન સૌરાષ્ટ્ર સાથે જોડવાનો પ્રયત્ન વર્ષોથી થતો હતો પરંતુ ૨૦૦૫ અને ૨૦૦૬ ની સાલમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ શ્રી તેમજ ઉપકુલપતિ શ્રી તેમ જ અન્ય અગ્રણીઓ સાથે બેઠક યોજી આ સમુદાય સાથે સંપર્ક પ્રસ્થાપિત કરવા અર્થે પ્રેરિત કર્યા અને આમ વિધિવત રીતે આ સૌરાષ્ટ્રવાસી સમુદાયને ગુજરાત સાથે ૧000 વર્ષના ગાળા પછી ફરીથી જોડવાની શરૂઆત થઇ અને ગુજરાત રાજ્ય અને તામિલનાડુના આ સૌરાષ્ટ્રવાસી સમુદાય વચ્ચે અનેકવિધ ક્ષેત્રે આદાન-પ્રદાનના સરસ મજાના કાર્યક્રમો શરૂ થયા.

૨૦૧0 ની સાલની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ઉપસ્થિતિમાં મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન થયું અને તેમાં ૫0000 કરતાં વધારે સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા હતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્યારબાદ પણ વખતો-વખત આ સમુદાયને મુલાકાતો આપી અને ગુજરાત સાથે આદાન-પ્રદાનની પ્રવૃત્તિ અર્થે સતત પ્રેરણા આપી છે.

મંત્રી શ્રી એ વધુમાં કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની સંકલ્પનાને મૂર્તિમંત કરવાના ઉમદા હેતુ સાથે સૌરાષ્ટ્ર તમિલ સંગમના ઐતિહાસિક અને રાષ્ટ્રીય એકાત્મતાને સાકાર કરતા આ અદભૂત કાર્યક્રમની સંકલ્પના કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ હેઠળ વેબસાઇટ પર રજીસ્ટ્રેશનમાં સિલેક્ટ થયેલા મહેમાનોને સ્પેશ્યલ ટ્રેનો વડે બેચ વાઇઝ ગુજરાત લવાશે, ત્યારબાદ સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર), જેવા સ્થળોની મુલાકાત પર લઇ જવામાં આવશે. કાર્યક્રમનું મુખ્ય સ્થળ સોમનાથ રહેશે જ્યાં ૧૫ દિવસ દરમિયાન, કલા, સંસ્કૃતિ, ઉદ્યોગ - વાણિજ્ય, યુવા અને અને શિક્ષણ સંબંધીત કાર્યક્રમોના આયોજન થવા જઇ રહ્યા છે.

ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્રકામ, પર્ફોર્મિંગ આર્ટ, ડ્ર્રામા પ્રદર્શન, સાહિત્ય, બીચ/સેન્ડ આર્ટ, પરંપરાગત લોક સંગીત હસ્તકલા, વાનગીઓ, રમતગમત, શેક્ષણિક પ્રદર્શન, ગુજરાતી અને તમિલ ભાષાના વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.

પંદર દિવસ ચાલનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં રજીસ્ટ્રેશન આવી રહ્યા છે જે હાલમાં લગભગ પચ્ચીસ હજાર જેટલા થયા છે. તામિલનાડુમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાના મૂળ વતન પોતાના, પોતાની મૂળ જન્મભૂમિ, માતૃભૂમિ એવા સોમનાથ ખાતે એકત્ર થશે, સોમનાથ દાદાના દર્શન તથા પૂજા કરશે, ભગવાન શ્રી દ્વારકાધિશના દર્શન કરી ધન્ય બનશે. આ એક ખૂબ જ ઐતિહાસિક મહત્વપૂર્ણ ઘટના છે.

ત્યાં વસતા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોની આંખોમાં જે સત્કારનો હરખ દેખાયો તેનું વર્ણન થઇ શકે તેમ નથી. જે ભૂમિના કારણે એમની ઓળખ સૌરાષ્ટ્રીયન તરીકેની છે એ જ જગ્યા એમને ફરી બોલાવી રહી છે.

આ કાર્યક્રમને લઇને ગુજરાત પણ તેમના મૂળ સૌરાષ્ટ્રીયન-તમીલ ભાઇઓને આવકારવા થનગની રહ્યું છે. કાઠીયાવાડ તેની પ્રસિધ્ધ મહેમાનગતિ માટે જાણીતું છે, તેમાં કોઇ કસર નહી છોડવામાં આવે તેઓ પ્રતિસાદ સૌરાષ્ટ્રના લોકોમાં જોવા મળ્યો છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી .

મંત્રીશ્રીએ સૌ ગુજરાતીઓને આ કાર્યક્રમમાં સહભાગી થવા, ટ્રેનોમાં આવતા પોતાના ભાઇઓને આવકારવા માટે રેલ્વે સ્ટેશનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ભાવભીનું સ્વાગત કરવા અપીલ કરી હતી.આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટરશ્રી એમ. એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ભુપેશ જોટાણીયા, સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.