કલ્યાણપુર નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા ખીમાભાઈ મેરામણભાઈ પરમાર નામના 60 વર્ષના દેવીપુજક વૃદ્ધ ગત તારીખ 9 મી ના રોજ સવારના 11 વાગ્યાના સમયે પોતાના જી.જે. 10 એ.એલ. 8549 નંબરના ટી.વી.એસ. મોટરસાયકલ પર બેસીને સુર્યાવદરથી ટંકારીયા ગામે તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એ. 4671 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે ખીમાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ખીમાભાઈ પરમારને માથાના ભાગે તથા છાતીના ભાગે જીવલેણ ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર વજશીભાઈ ખીમાભાઈ પરમાર (ઉ.વ. 24, રહે. સૂર્યવદર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

કુરંગા સ્થિત ખાનગી કંપનીમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરીને કર્મચારીઓ સાથે ઝઘડો કરવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

દ્વારકાથી આશરે 35 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં ગત તારીખ 4 એપ્રિલના રોજ ભોગાત ગામનો ભાયા વેરશી લુણા અને કરસન ભાયા લુણા ઉપરાંત અન્ય એક અજાણ્યા શખ્સે અનધિકૃત રીતે પ્રવેશ કરી અને કંપનીમાં ફરજ પર રહેલા કર્મચારીઓ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી.

આ પ્રકરણમાં કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તથા સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા અનિલ વિજયપ્રસાદ બલોધીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ભાયા વેરશી, કરસન ભાયા તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે આઈ.પી.સી. કલમ 447, 504 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર ચલાવી રહ્યા છે.

ખંભાળિયામાં કારની હડફેટે બાઈક ચાલક યુવાન ઇજાગ્રસ્ત

ખંભાળિયાના ગુગળી ચકલા પાસે આવેલા સૂરજ મંદિર વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ વિનોદરાય પંડિત નામના 46 વર્ષના યુવાન તેમના જી.જે. 37 એચ. 5301 નંબરના હોન્ડા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે નગર નાકા રોડ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા અલ્પેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા ચલાવી રહ્યા છે.

સલાયામાં રખડતો-ભટકતો શખ્સ ઝડપાયો

સલાયામાં નવા પેટ્રોલ પંપ પાસે રહેતા જાવેદ કાસમ ભટ્ટી નામના 30 વર્ષના શખ્સને પોલીસે રાત્રિના એક વાગ્યાના સમયે મેઈન બજાર વિસ્તારમાંથી અંધારામાં લપાતો છુપાતો દુકાનોના તાળા તપાસતો ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.