બેડીમાં યુવાન પર મહિલા સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો: ગોપના યુવાનને પરિણીતા સાથે આડાસંબંધ હોવાની શંકાના આધારે મોટાભાઈને પિતા-પુત્રોએ લમધાર્યો: હાથઉછીની આપેલ રકમની માંગણી કરનાર યુવાનને ધોકાવ્યો  

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરની ગ્રેઈન માર્કેટમાં એક યુવાન પર ગુરૂવારની રાત્રે બાઈક પર ધસી આવેલા ચાર શખ્સે અગાઉની માથાકૂટનો ખાર રાખી તલવાર, પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જયારે બેડી વિસ્તારમાં એક યુવાનને સગાઈ થઈ ગયેલી યુવતી ફોન કરતી હોય ગુરૃવારે રાત્રે એક મહિલા સહિત ચારે માર માર્યાે હતો. ઉપરાંત જામજોધપુરના મોટી ગોપ ગામના એક યુવાનને પરિણીતા સાથે આડોસંબંધ હોવાની શંકાથી તે યુવાનના મોટાભાઈને ત્રણ પુત્ર-પિતાએ ધોકા, તલવારથી માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. તેમજ હાથઉછીની આપેલી રકમની માંગણી કરનાર કાલાવડના યુવાનને ઘરે જઈ ચાર શખ્સે માર માર્યો હતો.

મળતી વિગત મુજબ જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા હર્ષ ૫રેશભાઈ મહેતા નામના યુવાનને થોડા દિવસ પહેલા સાધનાકોલોનીવાળા પુનીત બિપીનભાઈ દાણીધારીયા સાથે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ગુરૂવારે રાત્રે ગ્રેઈન માર્કેટમાં હર્ષ મહેતાને પુનીત તેમજ વંશરાજસિંહ ગજેન્દ્રસિંહ, દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ નામના ચાર શખ્સોએ તલવાર, પાઈપથી બેફામ માર માર્યા બાદ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, બાદમાં હર્ષ મહેતાએ શુક્રવારે સાંજે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારેય હુમલોખોર સામે ફરિયાદ નોંધાવી છે.

જયારે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા ઈમ્તિયાઝ સુલેમાનભાઈ ચાવડા નામના વાઘેર યુવાનને ગુરૂવારે રાત્રે તેના ઘર પાસે જઈ શકીનાબેન, આમીન, શકીનાબેનના પુત્ર મોઈન તથા જુનેદ નામના ચાર શખ્સે ગાળો ભાંડ્યા પછી ધોકા તથા ઢીકાપાટુથી માર માર્યાે હતો. ઈમ્તિયાઝને એક યુવતી સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. તે પછી આ યુવતીની અન્યત્ર સગાઈ થઈ ગઈ હતી. તેમ છતાં તે યુવતી ઈમ્તિયાઝને ફોન કરતી હોય તે બાબતની જાણ થતાં શકીનાબેન સહિતના ચારે હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઉપરાંત જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના અભિષેક મહેશભાઈ જોષી નામના યુવાનને શુક્રવારે બપોરે રાજેશ કાંતિલાલ જોષી, કિશોર ઉર્ફે પિન્ટુ કાંતિલાલ જોષી તથા કાંતિલાલ મેઘજીભાઈ જોષી નામના ત્રણ પુત્ર-પિતાએ સ્મશાન રોડ પર રોકી લીધો હતો. આ યુવાનને રીક્ષામાંથી ઉતરાવી ત્રણેય શખ્સે ગાળો આપ્યા પછી તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી અભિષેકને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી. સારવારમાં લઈ જવાયેલા અભિષેકે શુક્રવારે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેના નાનાભાઈ ઋષિકેશને એક પરિણીતા સાથે આડોસંબંધ હોવાની આશંકાથી ઋષિકેશના મોટાભાઈ અભિષેકને સ્કૂટર તથા બાઈકમાં ધસી આવેલા બે પુત્ર અને પિતાએ માર માર્યો હતો.

તેમજ કાલાવડ શહેરમાં કૃષ્ણ નગરમાં રહેતા અનિલભાઈ પ્રેમજીભાઈ દોંગા નામના પટેલ યુવાન ગુરૂવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધસી આવેલા વલ્લભ વિરજીભાઈ કપુરીયા, ધર્મેશ અકબરી, રવિ સાકરીયા, પ્રવીણ વિનુભાઈ કપુરીયા નામના ચાર શખ્સોએ ગાળો ભાંડી ધોકા-પાઈપથી હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર અનિલભાઈના પત્નીને પણ ધોકો ફટકારવામાં આવ્યો હતો. પાંચેક વર્ષ પહેલા અનિલભાઈ એ હાથઉછીની રકમ વલ્લભ કપુરીયાને આપી હતી. તે રકમની ઉઘરાણી કરવા અનિલભાઈએ ફોન કરતા પૈસા નથી આપવા તેમ કહી ઘરે આવી ચારેય શખ્સે હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થતા પોલીસે તપાસ હાથ ધરી છે.