26 એપ્રિલથી 21 મે સુધી 16 ટીમો વચ્ચે થશે કાંટે કી ટક્કર

જામનગર મોર્નિંગ - અમદાવાદ 


અમદાવાદના આંગણે ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ના પ્રતિષ્ઠિત હીરો ઇન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનો પ્રારંભ બુધવાર 26 એપ્રિલ 2023થી થઇ રહ્યો છે. 21 મે 2023 સુધી ચાલનારી આ મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 16 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની મેચો શાહીબાગ પોલીસ હેટક્વાર્ટર સ્ટેડિયમ અને કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ફૂટબોલ મેદાનો પર રમાશે.

આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.)ના યજમાન પદે અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાતના સહયોગથી થઇ રહ્યું છે. આ ટુર્નામેન્ટના માટે અમદાવાદના આંગણે દેશની 400 જેટલી ધુરંધર મહિલા ફૂટબોલ ખેલાડીઓનો પડાવ છે. 16 ટીમોમાંથી જે કલબ વિજેતા થશે તેને એશિયન ફૂટબોલ કન્ફેડરેશન વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળશે. ભારતીય સિનિયર ફૂટબોલ ટીમના સ્કાઉટ્સ આ તારીખો દરમ્યાન હાજર રહી સારા ખેલાડીઓને પસંદ કરશે, જેમને FIFA વર્લ્ડકપ ક્વોલિફાયર માટેની ભારતીય વિમેન્સ ફૂટબોલ ટીમમાં સામેલ થવાની તક મળી શકે છે.

દેશની અલગ અલગ ટીમોમાં નિયમાનુસાર મહત્તમ 3 વિદેશી ખેલાડીઓ સામેલ કરવાની છૂટ હોવાથી આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓને નેપાળ, બ્રાઝિલ, કેન્યા, ઘાના, મલેશિયા, કેમરૂન, અમેરિકા સહિતના દેશોની દમદાર ફટબોલ ખેલાડીઓની રમતનો લાભ પણ મળશે. જી.એસ.એફ.એ. વતીથી સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમા (9426256444)ની સીધી દેખરેખ હેઠળ જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ સભ્યો અને સ્વયં સેવકો/સ્વયં સેવિકાઓની મોટી ફોજ ટુર્નામેન્ટને સફળ બનાવવા અવિરત વ્યવસ્થા સંભાળી રહી છે.