દ્વારકામાં વૃદ્ધાને ઝૂંપડું ખાલી કરી આપવાનું કહી, મારી નાખવાની ધમકી આપવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા દ્વારા)

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં આવેલા ખુશાલ નગર ખાતે રહેતા આયસાબેન ઉર્ફે આસબાઈ ઓસમાણ ભેંસલીયા નામના 66 વર્ષના મુસ્લિમ વૃદ્ધાની સાથે આ જ વિસ્તારમાં રહેતા અલાઉદ્દીન ઓસમાણ ભેંસલીયા, ગફુર ઓસમાણ તથા અમીન ગફુર ભેંસલીયા નામના ત્રણ શખ્સોએ બોલાચાલી કરી, તેણીને "તમે રહો છો તે ઝુંપડું અમારું છે. તે ખાલી કરી આપજો"- તેમ કહેતા ફરિયાદી આયશાબેને ના કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈને લાકડાના ધોકા વડે તેમને બેફામ માર મારી, ફેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ પ્રકરણ અંગે પોલીસ આઈપીસી કલમ 325, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકામાં પરપ્રાંતિય આસામીનો મોબાઇલ ચોરાયો

ઉત્તર પ્રદેશના બરેલી ખાતે રહેતા આશુતોષગોડ ભોપાલ શર્મા નામના પરપ્રાંતિય યાત્રિક ગત તારીખ 1 એપ્રિલના રોજ દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા, ત્યારે દ્વારકામાં રેલવે સ્ટેશન તરફ જતા તેમનો રૂપિયા 20,000 ની કિંમતનો રેડ-મી કંપનીનો મોબાઇલ ફોન ચોરાઈ ગયો હોવાની ફરિયાદ તેમણે સીટીઝન પોર્ટલ પર અપલોડ કરતા દ્વારકા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે પોલીસે મોબાઈલ ચોરની શોધખોળ હાથ ધરી છે.

ખંભાળિયાની યુવતીને રાજકોટના સાસરિયાઓનો સીતમ

ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતી અને રસિકલાલ કોટેચાની પરિણીત પુત્રી પાયલબેનને તેણીના લગ્નજીવન દરમિયાન રાજકોટના મારુતિ નગર વિસ્તારમાં રહેતા તેણીના પતિ શનિ મુકેશભાઈ લાખાણી અને સાસુ વર્ષાબેન મુકેશભાઈ લાખાણી દ્વારા અવારનવાર નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી, હેરાન પરેશાન કરવામાં આવતા આ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ખંભાળિયામાં પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ખંભાળિયામાં ખામનાથ પુલ પાસેથી પોલીસે મૂળ ઉપલેટા ખાતે રહેતા દિપક અનિલભાઈ મેસવાણીયા નામના 31 વર્ષના શખ્સને રૂ. 25 હજારની કિંમતના સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ પર કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવીંગ લાયસન્સ વગર નીકળતા ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો.