ઇ-ક્વિઝ વિજેતાઓને કલેક્ટરના હસ્તે અપાયા પ્રમાણપત્ર 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

દ્વારકા ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત તમિલનાડુથી આવેલા બાંધવો ગુજરાતી ભાષાની સમજણ મેળવે અને ગુજરાતીઓ તમિલ ભાષાની સમજણ મેળવે તે માટે લેન્ગવેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.  સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રીયન તમિલોએ ઉત્સાહભેર  વર્કશોપમાં ભાગ લીધો હતો. રોજિંદા જીવનમાં જરૂરી હોય એવા ગુજરાતી-તમિલ શબ્દો વિશે માહિતી આપવામાં આવી હતી. વિવિધ પ્રવૃતિઓના માધ્યમથી ગુજરાતી અને તમિલ ભાષા વિશે  શિક્ષણ આપવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં ગુજરાતી અને તમિલ ભાષાના રોજ બરોજના વ્યવહારમાં વપરાતા વાક્યો વિષે ઈ-ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને કલેકટર અશોક શર્માના હસ્તે  પ્રમાણપાત્રો આપવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ અને સૌરાષ્ટ્રના લોકો માટે લેંગ્વેજ વર્કશોપનું આયોજન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢની આગેવાની હેઠળ શિક્ષણ વિભાગ હસ્તકની સ્કોપ "SCOPE" (સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઈન ઇંગ્લિશ) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ લેંગ્વેજ વર્કશોપમાં અમદાવાદ-તમિલ એસોસિયેશનના 25થી વધુ તામિલ શિક્ષકો-તજજ્ઞો ગુજરાતી અને તમિલ ભાષા શીખવી રહ્યા છે.

આ પ્રસંગે ખંભાળિયાના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર, દ્વારકા મામલતદાર વી.કે. વરુ તેમજ સંગઠન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- "નાગેશ્વર" મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરતાં તમિલ બાંધવો -

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત દ્વારકા ખાતે આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોએ દારુકાવન સ્થિત નાગેશ્વર મહાદેવના દર્શન  કરીને ધન્યતા અનુભવી હતી. પરિસરમાં આવેલી શિવજીની વિશાળ પ્રતિમા જોઈને તમિલ બાંધવોએ બંને હાથ જોડીને વંદન કર્યા હતા.

અહીં તમિલ મહિલા યોગવલ્લીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર બે જ્યોતિર્લિંગ આવેલા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર. આ બંને જ્યોર્તિલિંગના દર્શન કરી ધન્યતા અનુભવું છું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી મને મારા મૂળ વતનમાં આવવા માંડ્યું તેના માટે  હું વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર માનું છું.

વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સ્થાયી થયેલા બાંધવો દ્વારકા જિલ્લાના પ્રવાસે આવ્યા છે. ત્યારે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કરી પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે. સૌરાષ્ટ્રીયન તમિલ મહિલા ભગવતીજીએ જણાવ્યું કે,  હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું. સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના આયોજન થકી જ સોમનાથ, દ્વારકા ખાતે અમે દર્શન કરી શક્યા છીએ. અમે આ કાર્યક્રમનો હિસ્સો બન્યા, અમે ખુબ ભાગ્યશાળી છીએ.