મૃતદેહને ઘરના ફળિયામાં દાટી દીધો: મૃતકના માતા ધ્રોલ દોડી આવતા ભાંડો ફૂટ્યો હતો: પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી  

જામનગર મોર્નિંગ - જામનગર 

ધ્રોલમાં પત્નીના ચારિત્ર્યની શંકા કરી પતિએ ગળુ દબાવી હત્યા નિપજાવી દીધા બાદ લાશને ઘરના ફળિયામાં દાટી દીધી હતી, બાદમાં મૃતકના માતા સાથે દીકરીની વાત ન થતા તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા અને ભાંડો ફૂટી જતા ધ્રોલ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.   

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં રહેતી સોનલબેન મનસુખભાઈ ચૌહાણ નામની 27 વર્ષની પરણીતા બે દિવસથી એકાએક લાપતા બની હતી અને સોનલબેનના માતા જશુબેન જે રાજકોટ જિલ્લાના મોટા મૌવા પાસે રહે છે તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિષે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ ન આપતા માતા જશુબેને ધ્રોલ પોલીસને જાણ કરી હતી. 

ગઈ રાત્રે ધ્રોલ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી બાદમાં તેણે પોતાની પત્ની સોનલની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોતાની પત્ની સોનલના કોઈ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા કરતો હતો અને રવિવારે રાત્રીના સમયે પોતાની પત્ની સોનલને ઘર પાસે આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ જઈ ત્યાં તેનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી. 

ત્યારબાદ મૃતદેહને પોતાના ઘરે લઈ આવી ફળિયામાં ખાડો ખોદી તે ખાડામાં મૃતદેહને રાખી ખાડો ઢાંકી દીધો હતો. પરંતુ ભાંડો ફૂટી ગયો હતો અને પત્નીની હત્યા નિપજાવી દાટી દીધાનું જણાવ્યું હતું. બાદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કાઢી આજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ આવી પીએમ કરવાવવામાં આવ્યું હતું. 

ધ્રોલ પોલીસે માતા જશુબેનની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સોનલબેનના આ બીજા લગ્ન હતા અને મનસુખ ચૌહાણ સાથે પાંચ વર્ષથી ધ્રોલના આંબેડકર નગરમાં રહેતા હતા અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર સહિતના પાંચ સંતાનો છે જે સંતાનો માતા વિહોણા બની ગયા છે. આ બનાવને લઈને ધ્રોલ પંથકમાં હાહાકાર મચી ગયો છે.