"આપ"ના કાર્યકરો ધોરણસર ફરિયાદ કેમ કરતા નથી ?: પાલિકા સૂત્રોનો સણસણતો સવાલ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો જાણે એકાએક જાગૃત બન્યા હોય તેમ કોઈને કોઈ બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

"આપ"ના નવા નિમાયેલા હોદ્દેદારોએ બે દિવસ પૂર્વે અહીંના જડેશ્વર રોડ પરના ચાલી રહેલા નવનિર્માણ કામ સ્થળે દોડી ગયા હતા અને આ સ્થળે રહેલા કેટલાક કામદારો સાથે વાટાઘાટો કરી, ફોટા - વિડિયો લઈને રોડની કામગીરીને વખોડતા નિવેદનો જારી કર્યા હતા. 

આ મુદ્દે નગરપાલિકાના એક જવાબદાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના નબળા કામો અંગે કોઈ લેખીત કે સવિસ્તૃત રજુઆત કરવામાં આવતી નથી. ફક્ત ફોટા જ નાખે છે. જો નગરપાલિકાના કામો આવા જ લોલમલોલ હોય તો તેની ઉચ્ચ કક્ષાએ યોગ્ય ફરિયાદ કેમ કરવામાં આવતી નથી...??? દરેક રોડ પર ત્રણ જગ્યાએથી નમુનાઓ લેવામાં આવે છે. જેના યોગ્ય ટેસ્ટ કરવામાં આવે છે.

રોડના નમુના સરકારી લેબોરેટરીમાં ચેકિંગ અર્થે મોકલાવવામાં આવે છે. દરેક રસ્તાના કોન્ટ્રાક્ટની શરતો, નિયમો નગરપાલિકા કચેરી ખાતે જોઈ શકાય છે. દરેક ચાલુ કામના સ્થળે આ અંગેની વિગતો બોર્ડ પર મૂકવામાં આવે છે. ઉપરાંત થર્ડ પાર્ટી દ્વારા મેપ ટેસ્ટિંગ પણ કરાય છે.

નગરપાલિકા તંત્ર દ્વારા કામની ક્વોલિટીને હાલ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાનું જણાવી, આમ આદમી પાર્ટીની આ નીતિ-રીતીને પાલીકા સતાવાહકોએ વખોડી કાઢી છે.